યુવાનીમાં દેવ આનંદ ‘બોમ્બે ટૉકિઝ’ ના સ્ટુડિયો પાસે કામ મેળવવાની આશા લઇને ગયા ત્યારે એમને કલ્પના નહીં હોય કે ‘અછૂત કન્યા’ અને ‘કિસ્મત’ માં જેમને જોઇને અભિનયની પ્રેરણા મળી છે એ ‘દાદામુનિ’ અશોકકુમાર પોતાની ફિલ્મ આપી દેશે! દેવ આનંદે ‘પ્રભાત ફિલ્મ્સ’ ની ‘હમ એક હૈ’ (૧૯૪૬) થી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. નિર્દેશક પી.એલ. સંતોષીની પણ આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મને સફળતા મળી નહીં. દેવ આનંદ કામની શોધમાં એક દિવસ ‘બોમ્બે ટૉકિઝ’ ના સ્ટુડિયો પાસે પહોંચી ગયા. ત્યારે અશોકકુમાર લેખિકા ઇસ્મત ચુગતાઇની વાર્તા પર આધારિત અને તેમના પતિ શાહિદ લતિફ નિર્દેશિત ફિલ્મ ‘જિદ્દી’ (૧૯૪૮) નું શુટિંગ કરી રહ્યા હતા.
ફિલ્મનો પહેલો જ દિવસ હતો. થોડું શુટિંગ કરીને અશોકકુમાર કોઇ કામથી સ્ટુડિયોની બહાર નીકળ્યા. તેમની નજર એક સુંદર દેખાતા યુવાન પર પડી. તેનાથી પ્રભાવિત થઇને અશોકકુમારે નામ અને કામ પૂછ્યું ત્યારે દેવ આનંદે કહ્યું કે તેણે એક ફિલ્મ કરી છે પણ ચાલી નથી. જો કોઇ કામ મળી જાય તો સારું છે. તેનો આત્મવિશ્વાસ જોઇને અશોકકુમાર તેને અંદર લઇ ગયા. અને નિર્દેશક શાહિદ લતિફને ઓળખાણ આપી કહ્યું કે આ ફિલ્મમાં હું જે ભૂમિકા કરી રહ્યો છું એ આ યુવાનને આપી દો. શાહિદને નવાઇ લાગી. તેમણે અશોકકુમારને આમ કરવાની ના પાડી દીધી. નિર્માતાઓએ પણ દેવને તેમના સ્થાને લેવાનો ઇન્કાર કરી દીધો.
અશોકકુમાર પોતાના નિર્ણય પર અડગ હતા. તેમણે નિર્માતા-નિર્દેશકને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે હજુ એક જ દિવસનું શુટિંગ થયું છે. જો આ યુવાન બરાબર કામ નહીં કરી શકે તો હું છું જ. મારા પર વિશ્વાસ મૂકીને તેને એક તક આપો. એ સમય પર અશોકકુમાર બહુ મોટા સ્ટાર હતા. આખરે એમની જીદ સામે નિર્માતા-નિર્દેશકે ઝૂકવું પડ્યું. ‘જિદ્દી’ની અશોકકુમારની ભૂમિકા દેવ આનંદને સોંપવામાં આવી. પહેલા જ દિવસે દેવને એક દ્રશ્ય માટે આઠ ટેક આપવા પડ્યા. નિર્દેશકને તક મળી ગઇ. તેમણે અશોકકુમારને ત્યાં બોલાવ્યા અને વધારે રીટેક લેવા પડતા હોવાનું જણાવી ફિલ્મમાં પાછા આવવા માટે કહ્યું.
અશોકકુમારે દેવ સાથે વાત કરી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તેને દ્રશ્યો બરાબર સમજાવવામાં આવતા ન હતા. અશોકકુમારે દેવને દ્રશ્યો સમજાવ્યા પછી એક જ ટેકમાં શોટ ઓકે થવા લાગ્યા. અને દેવ ‘જિદ્દી’ ના હીરો બની રહ્યા. દેવ આનંદના પુસ્તકમાં આલેખાયેલા આ પ્રસંગ પરથી એક રેડિયો કાર્યક્રમમાં અભિનેતા અનુ કપૂરે આ વાત કરીને કહ્યું છે કે આ એક એવો અનોખો કિસ્સો છે જે ક્યારેય સાંભળ્યો નહિ હોય.
દેવની કામિની કૌશલ સાથેની ‘જિદ્દી’ ની સફળતામાં એના ગીત-સંગીતનો પણ ફાળો હતો. ‘જિદ્દી’ માં કિશોરકુમારે દેવ માટે પહેલું સોલો ગીત ‘મરને કી દુઆએં ક્યોં માંગુ’ ગાયું હતું. એમાં કે.એલ. સાયગલના અવાજનો પ્રભાવ હતો. પછી તો દેવ આનંદ માટે કિશોરકુમારે વર્ષો સુધી ગાયું અને પોતાની એક અલગ ગાયન શૈલી પણ વિકસાવી. ‘જિદ્દી’ માં જ કિશોરકુમારે લતા મંગેશકર સાથેનું પહેલું યુગલ ગીત ‘યે કૌન આયા રે’ પણ ગાયું હતું.
– રાકેશ ઠક્કર (વાપી)