‘જલવા’ એ પંકજ પરાશરને ‘ચાલબાઝ’ અપાવી

નિર્દેશક પંકજ પરાશરે એક મુલાકાતમાં ‘ચાલબાઝ’ કેવી રીતે બની એની અનેક રસપ્રદ અને અજાણી વાતો કરી હતી. પિતાએ નિર્માતા એ. પૂર્ણચંદ્ર રાવને મળવા જવા માટે કહ્યું ત્યારે પંકજે કહ્યું કે મારી પાસે અત્યારે ફિલ્મ માટે કોઈ વિષય જ નથી. પિતાએ કહ્યું કે જતી વખતે રસ્તામાં વિચારી લેજે. પંકજ જાણતો હતો કે અમિતાભ બચ્ચન સાથે એમણે ફિલ્મ કરી છે. એ. પૂર્ણચંદ્ર રાવના ઘરે પહોંચ્યા અને દરવાજો ખુલ્યો ત્યારે સામે શ્રીદેવીનું મોટું ચિત્ર જોયું. પંકજે એ. પૂર્ણચંદ્ર રાવને મુલાકાતમાં પૂછ્યું કે તમે શ્રીદેવીને જાણો છો? એમણે કહ્યું કે ઘર જેવા સંબંધ છે.

પંકજે કહ્યું કે હું એમની સાથે ‘સીતા ઔર ગીતા’ (1972) જેવી ફિલ્મ બનાવવા માંગુ છું. એમણે માત્ર એટલું જ પૂછ્યું કે ડબલ રોલની? પંકજે હા કહ્યું અને એમણે ૧૧ હજાર રૂપિયાનું કવર આપી સાઇન કરી લીધો. એ સાથે કહ્યું કે મારી શરત છે. ફિલ્મમાં જીતેન્દ્ર અને રજનીકાંત હીરો હશે. પંકજે સંગીતકાર તરીકે આનંદ – મિલિન્દનું નામ આપ્યું પણ એમણે ના પાડી અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલને લેવા કહ્યું. પંકજે ગીતકાર તરીકે સમીરનું નામ સૂચવ્યું પણ એમણે આનંદ બક્ષી કહ્યું. પિતાની સલાહ હતી એટલે પંકજે કોઈ સામી દલીલ કરી નહીં અને બધી વાત સ્વીકારી લીધી. એ પછી પંકજે ‘સીતા ઔર ગીતા’ માં થોડો ફેરફાર કરી વાર્તા તૈયાર કરીને જીતેન્દ્રને સંભળાવી.

જીતેન્દ્રએ કહ્યું કે આ તો ‘સીતા ઔર ગીતા’ જ છે. લોકો જૂતાં મારશે. પંકજ ડરી ગયા અને આ વાત એ. પૂર્ણચંદ્ર રાવને કરી. એમણે કહ્યું કે તું તારી મૌલિક સ્ક્રિપ્ટ લખ. જીતેન્દ્રએ ના પાડી હતી એટલે સની દેઓલનો સંપર્ક કર્યો. એણે કહ્યું કે હીરોઈનનો ડબલ રોલ છે તો હું કામ કરીને શું કરીશ? પંકજે કહ્યું કે ‘સીતા ઔર ગીતા’ માં તારા પિતા ધર્મેન્દ્રએ કામ કર્યું જ હતું. સની તૈયાર થઈ ગયો. પંકજ જ્યારે મદ્રાસમાં એ. પૂર્ણચંદ્ર રાવને ત્યાં ફિલ્મની નવી સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા ત્યારે અભિનેતા કમલ હસનની સાથે મુલાકાત થઈ.

કમલે પૂછ્યું કે શું કરે છે? ત્યારે પંકજે ‘ચાલબાઝ’ ની સ્ક્રિપ્ટની વાત કરી. વાર્તા સાંભળી કમલે નારાજગી વ્યક્ત કરી કે તું રમેશ સિપ્પી નથી. મૂળ ફિલ્મને બગાડીશ નહીં અને શ્રીદેવી એ હેમામાલિની નથી. તેથી પંકજે ફરી સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો અને ‘સીતા ઔર ગીતા’ ને આધાર બનાવીને લખી. એટલું જ નહીં ફિલ્મ બન્યા પછી રમેશ સિપ્પી માટે ટ્રાયલ શો પણ રાખ્યો હતો. ફિલ્મને બહુ પસંદ કરવામાં આવી હતી અને શ્રીદેવીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.