આનંદ બક્ષી ભારતીય સિનેમાના એવા દિગ્ગજ ગીતકાર હતા જેઓ પોતાની શરતો અને ગીતની ગરિમા સાથે ક્યારેય
સમાધાન કરતા નહોતા. તેમના જીવનના બે રસપ્રદ કિસ્સાઓ ફિલ્મ ‘અફલાતૂન’ અને ‘કોહરામ’ સાથે જોડાયેલા છે. જે દર્શાવે છે કે એક ગીતકાર તરીકે કેટલા ચોકસાઈવાળા અને સિદ્ધાંતવાદી હતા.
1997માં આવેલી નિર્દેશક ગુડ્ડુ ધનોઆની ફિલ્મ ‘અફલાતૂન’ના ગીતો આનંદ બક્ષી લખી રહ્યા હતા. આ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘પોસ્ટર લગવા દો બજાર મેં’ જ્યારે તેમણે લખ્યું ત્યારે નિર્દેશકે તેને તરત જ મંજૂરી આપી દીધી હતી. પરંતુ સંગીતકાર દિલીપ સેન અને સમીર સેનને લાગતું હતું કે ગીત ક્યાંક અટકી રહ્યું છે. તેમાં જે ‘લય’ હોવી જોઈએ તે ખૂટે છે. જ્યારે તેમણે બક્ષીજીને આ વાત કહી ત્યારે તેઓ થોડા અચરજમાં
પડ્યા. કારણ કે નિર્માતા-નિર્દેશકને ગીત પસંદ હતું. પરંતુ સંગીતકારના સંતોષ માટે તેમણે ગીત પર ફરી વિચાર કર્યો અને માત્ર બે જ શબ્દો ઉમેર્યા ‘હાય હાય’ અને ગીતની પંક્તિ બની: ‘એક લડકા એક લડકી, એક લડકા લડકી હાય હાય, દોનો પાગલ હો ગયે પ્યાર મેં.’ આ નાનકડા સુધારાએ ગીતમાં એવો પ્રાણ ફૂંક્યો કે દિલીપ સેન ઉછળી પડ્યા અને બોલ્યા કે, ‘બસ, હવે ગીત બરાબર વહે છે!’
બીજો કિસ્સો 1999ની ફિલ્મ ‘કોહરામ’નો છે. મેહુલ કુમારની આ ફિલ્મ માટે આનંદ બક્ષીએ બધા જ ગીતો તૈયાર કરી દીધા હતા, પરંતુ એક ગીત ગુરુદ્વારામાં ‘ગુરુવાણી’ તરીકે આવતું હતું. બક્ષીજીને સંગીતકારોએ આપેલી ધૂન ‘મુજરા’ જેવી લાગી. તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ ધૂન પર હું ગુરુવાણી નહીં લખું. કારણ કે તેનાથી વિવાદ થઈ શકે છે અને ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. તે ડરી ગયા હતા. તેમણે ત્યાં સુધી કહી દીધું કે આ સિચ્યુએશન જ ફિલ્મમાંથી કાઢી નાખો.

નિર્દેશક મેહુલ કુમાર આ ગીત ગુરુદ્વારામાં જ રાખવા માંગતા હતા. આનંદ બક્ષી પોતાની વાત પર મક્કમ હતા. અંતે સંગીતકાર દિલીપ સેન બીજા ગીતકાર દેવ કોહલી પાસે ગયા. જોકે, દેવ કોહલીએ જ્યારે સાંભળ્યું કે બાકીના ગીતો આનંદ બક્ષીએ લખ્યા છે ત્યારે તેમણે નૈતિકતાના ધોરણે ગીત લખવાની ના પાડી દીધી. મામલો ત્યારે ઉકેલાયો જ્યારે આનંદ બક્ષીએ પોતે દેવ કોહલી સાથે ફોન પર વાત કરી અને તેમને ગીત લખવા માટે વિનંતી કરી.
એટલું જ નહીં દેવ કોહલીની ઈચ્છા મુજબ બક્ષીજીએ લેખિતમાં ‘નો ઓબ્જેક્શન’ પત્ર આપ્યો કે તેમને દેવ કોહલી આ ગીત લખે તેની સામે કોઈ વાંધો નથી. ત્યારબાદ દેવ કોહલીએ ‘સતનામ વાહેગુરુ’ લખ્યું. જે કિશનપાલ સિંહના અવાજમાં રેકોર્ડ થયું. આનંદ બક્ષીની આ મક્કમતા અને દેવ કોહલીના સાથી કલાકાર પ્રત્યેના આદરે હિન્દી ફિલ્મ જગતમાં એક અનોખો દાખલો બેસાડ્યો હતો.


