મધ્ય ભારતના કાન્હા, બાંધવગઢ, પેંચ કે તાડોબા વગેરે જેવા ટાઈગર રિઝર્વમાં સફારીની મજા જ અલગ છે. હા આ જંગલ સફારીમાં ઘણીવાર વાઘ જોવા ન પણ મળે. તો પણ સફારીમાં જંગલ માણવાનો લહાવો અનેરો હોય છે.
સફારીમાં વાઘ રસ્તા પર ચાલતો જોવા મળે ત્યારે તેને જોવાનો અનુભવ પણ અદભૂત હોય છે. આ જ રસ્તા પર ચાલતો વાઘ સફારી જીપથી 2 ફૂટ દૂરથી પસાર થાય અને ખુલ્લી જીપમાં બેઠેલા પ્રવાસી સામે એક ત્રાંસી નજરથી જોવે ત્યારે રોમાંચ અને ડરનો મિશ્રીત અનુભવ ઘણો જ અદભૂત અને યાદગાર હોય છે.
આવો જ અનુભવ અમે 4 વર્ષ પહેલા ઉનાળામાં કાન્હા નેશનલ પાર્કમાં કર્યો હતો. મુક્કી ઝોનમાં એક નર વાઘ પાણીના એક ખાડામાંથી ઉભો થઈ રોડ પર અમારી જીપ તરફ ચાલીને આવતો હતો. અમે જીપ રિવર્સ કરવા રહ્યા પણ એક જગ્યાએ રસ્તાના વણાંકમાં અમારા સફારી ડ્રાઈવર જીપ રિવર્સ લઈ શક્યા નહીં. આ નર વાઘ અમારી જીપની બાજુમાંથી જ પસાર થયો અને એક બે સેકન્ડ માટે અમારી સામે જોઈને આગળ વઘી ગયો. એ બે સેકન્ડનો રોમાંચ અવિસ્મરણીય હતો.