લગભગ 10 એક વર્ષ પહેલા ગીર નેશનલ પાર્ક(સાસણ ગીર)માં હાલમાં જેટલા પ્રવાસીઓ આવે છે એટલા પ્રવાસીઓ આવતા નહતા, જેના કારણે જંગલમાં સફારી માટેના ગાઇડ ખુબ ઓછા હતા. અને વળી આ ગાઈડમાંથી પણ પક્ષીઓ વિશે સારી માહિતી રાખતા ગાઇડતો કદાચ 2-3 જ હતા. પક્ષીઓ વિશે જાણતા એવાજ એક ગાઇડ સાથે અમે સિંહ કે દિપડા જોવા માટે નહીં પણ પક્ષીઓ જોવા માટે 3-4 સફારી કરવાનું નક્કી કર્યુ અને અને “દેવા ડુંગર” વાળા રુટથી પક્ષીઓ જોવાની સફારી શરુ કરી.
છેલ્લી સફારીમાં અમે રુટનં-2માં ફરી રહ્યા હતા ત્યારે કેરંભા ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેના એક ઉંબરા/ઉમરાના ઝાડ પર એક અલગજ રંગ વાળુ પક્ષી જોયુ અને તરતજ 5-7 ક્લીક કરી દીધી પછી ગાઇડને પુછ્યું કે આ ક્યુ પક્ષી છે તેણે તરત જ પોતાની પાસેની બર્ડ બુક માંથી જોઇને જણાવ્યુ અરે આતો “વર્ડીટર ફ્લાય કેચર” છે. ઉનાળાની ઋતુની આસપાસ હિમાલય અને દક્ષિણ પુર્વ એશિયાથી આ પક્ષી ગીરમાં આવે છે. “વર્ડીટર ફ્લાય કેચર” કાયમ ગીરમાં જોવા નથી મળતું, અમે પણ આ નવુ પક્ષી જોઇ આનંદીત થયા. મારું એવુ માનવું છે કે અનેક વાર પ્રવાસીઓ જંગલમાં સફારી કરવા જાય છે ત્યારે સિંહ કે વાઘ જોવાની ચાહમાં જંગલના બીજા પ્રાણી-પક્ષીઓ જોવાનું અને જંગલને માણવાનું ચુકી જાય છે.
(શ્રીનાથ શાહ)