આ વર્ષે માર્ચ 2025માં રણથંબોરની મુલાકાતે જવાનું થયું. ત્યાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે, રણથંબોરની ખ્યાતનામ વાઘણ “મછલી” ના કુળની “એરોહેડ” રણથંબોરમાં કિલ્લા અને ઝોન 2-3ના વિવિધભાગોમાં ફરી રહી છે. સાથે પોતાના દોઠ-બે વર્ષના બે સાવક પણ છે.
એરોહેડ અને તેના ભાઈ પેડમેન અને બહેન લાઈટનીંગને પહેલીવાર 2016ના જુનમાં ક્લિક કર્યા હતા. ત્યારબાદ લગભગ દર બે વર્ષે રણથંબોર જવાનું થયું. દર વખતે એરોહેડના અલગ અલગ અંદાજને કેમેરામાં ક્લિક કરવાનો મોકો પણ મળ્યો.
ઓક્ટોબર 2020માં તો આ કોલમમાં રણથંબોરની સુપર સ્ટાર-એરોહેડ એવો લેખ પણ લખ્યો. પણ આ વખતે રણથંબોર જવાનું થયું અને પહેલી જ સફારીમાં જોગી મહેલ પાસે પ્રવાસીઓના ઘોંઘાટ છતાં સૂતેલી અવસ્થામાં એરોહેડને જોઈ. સફારી ગાઈડ એ જણાવ્યું કે એરોહેડ બીમાર છે અને સાથે તેના દોઠ બે વર્ષના 2 બચ્ચા છે.
વર્ષ 2016 થી રણથંબોરમાં ઝોન 2-3-4ના ક્ષેત્રમાં પોતાનું સતત આધિપત્ય જાળવી રાખીને સુપર સ્ટાર બનેલ એરોહેડને બીમાર અવસ્થામાં જોઈ ઘણું દુ:ખ થયું. સફારી ડ્રાઈવર એ કહ્યું કે એરોહેડ અને મગર વચ્ચે લડાઈ થઈ હતી જેમાં એરોહેડ ઘાયલ થઈ પછી તેને ટ્યુમર થયું છે. આ વાત જાણી આઘાત લાગ્યો.
આ વખતે જ્યારે તેના ફોટો પાડયા ત્યારે અમે ચર્ચા કરી કે કદાચ એવું પણ બને કે ફરી રણથંબોર આવીએ ત્યારે એરોહેડના ફોટો લેવાનું શક્ય ન પણ બને.
