રણથંભોરનું નામ પડે એટલે વાઘણ “મછલી“ યાદ આવે. “એરોહેડ“ પણ એના જ કુળમાંથી આવે. હાલ તો એરોહેડ એ રણથંભોરની સુપરસ્ટાર અભિનેત્રી છે અને જોગી મહેલ,પદ્મ તલાવ અને ઝોન-3માં એનું જાણે રાજ ચાલે છે.
2016ના જૂનના ત્રીજા અઠવાડીયામાં રણથંભોરમાં ભયંકર ગરમી હોય, પણ વાઘ જોવા માટે ઉનાળો શ્રેષ્ઠ સમય. જ્યાં પાણી હોય ત્યાં આસપાસ વાઘ મળવાના ચાન્સ ખૂબ હોય. જૂનની ગરમીમાં અમે સવારે સફારીમાં લગભગ 3 કલાક જેવું ફરી ચૂક્યા હતા અને અચાનક અમને ખૂબ મોટા અવાજવાળો ચિતલનો અલાર્મ કોલ સંભળાયો. એકદમ જ અમે જીપ્સી રોકી અને હજી કાંઇ પરિસ્થિતીનો તાગ મેળવીએ ત્યાં તો બહુ બધા ચિતલનો અલાર્મ કોલ… અને એક અવાજ ટાઇગર રોરીંગનો… અરે આ તો વાઘ! અહીં આસપાસમાં ચોક્કસ શિકાર કર્યો હશે.
અમે જે દિશામાંથી અવાજ આવતો હતો એ તરફ ગયા તો ઝાડીમાં વાઘ એક નર ચિતલને ચાટી રહ્યો હતો. અમને જોઇને એ એકદમ ઉભો થયો અને અમે કાંઇ સમજીએ એ પહેલા તો એ ચિતલને મોઢામાં પકડીને ચાલવા લાગ્યો. અમારા ગાઇડે કહયુંઃ આ નીચે પાણી ભરેલી રકાબી છે ત્યાં આવશે. ચાલો જલ્દી નીચે. થોડાક અણગમા સાથે અમે નીચે ગયા ત્યાં ખરેખર આ “એરોહેડ“ આવી અને અમને આ ફોટો મળ્યો.
(શ્રીનાથ શાહ)