કોરબેટ-ઢીકાલાનું એક આઈકોનિક સ્થાન “જલે પેડ”

જંગલ સફારીમાં જઈએ તો દરેક પાર્કમાં અમુક જગ્યાઓ ખાસ નામ સાથે ઓળખાતી હોય છે. ગાઈડ-ડ્રાઈવર ચોક્કસ આવી જગ્યાની વાતો કરે. સાસણ ગીર જઈએ તો રાયડી, બિલીવાડી કુંડી, રતન ઘુના, ખુંતણી, રણથંબોર જઈએ તો જોગી મહેલ, પદમતળાવ, મલીક તળાવ અને દુધ બાવડી, અને કોરબેટ ઢીકાલા જઈએ તો મોટા સાલ, ઠંડી સડક, પાર, સાબર રોડ અને જલે પેડ જેવા નામ સાંભળવા મળે.

દર 2-3 વર્ષે કોરબેટ ઢીકાલા સફારી માટે જઈએ એટલે દર વખતે સફારી સવારની હોય કે સાંજની જલે પેડ આસાપાસનો વિસ્તાર ફરવાનો જ. જ્યારે જઈએ ત્યારે કોઈવાર હાથી મળે તો કોઈવાર ચિતલનું મોટું ઝૂંડ જોવા મળે. કેટલાક પ્રવાસીઓને તો અહીં વાઘ પણ જોવા મળેલ છે.

સતત એવો સવાલ મનમાં થાય કે જંગલમાં આવા સ્થાનોના અટપટા નામ કોણે પાડયા હશે? જંગલમાં જ્યાં શહેરની જેમ ખાસ કોઈ નક્શા કે લેન્ડમાર્ક નથી ત્યાં વન કર્મચારીઓ દ્વારા કેવા સરસ સ્થાન અને દિશા સુચક નામ પાડ્યા છે.