દીપડાને આમ તો સમાચારમાં મોટાભાગે ખોટી રીતે ચિત્રીત કરવામાં આવે છે. હકિકતમાં દીપડો એ એકદમ શરમાળ, માયાવી અને એકાકી (elusive & stealthy) પ્રકારનું જીવન જીવતું બિલાડી કુળનું નિશાચર પ્રાણી છે. દિપડાને કોઇ પણ અઘરા સંજોગોમાં કેમ કરી ને જીવતા રહેવુ એનું સૌથી શ્રેષ્ઠ જ્ઞાન હોય છે.
દીપડો એ પોતાના બચાવમાં કે અજાણતા જ માનવ પર હુમલો કરતો હોય છે, પણ તેની છાપ અકારણ માનવ ભક્ષીની થઇ ગઇ છે. ખેર જંગલમાં દીપડો જોવા મળવો એ વાઘ કે સિંહ જોવા કરતા વધુ ભાગ્યની વાત છે. વાઘ, સિંહ સામાન્ય રીતે ઝાડ પર ચડવામાં અસમર્થ હોય છે પણ દીપડા પાસે આ વિશેષ કળા છે કે એ ખૂબ સ્ફુર્તિ સાથે ઝાડ પર ચડી જાય છે. દીપડાઓ પોતાના શિકારને બચાવવા શિકારને મોઢામાં પકડીને પણ ઝાડ પર ચડવામા સમર્થ હોય છે.
સિંહ અને વાઘ કરતા કદમાં નાના હોવાના કારણે ક્યારેક દીપડાને પોતાનો શિકાર થઇ જવાનું પણ જોખમ હોય છે. દીપડો એ ભારતમાં લગભગ બધા જ જંગલ વિસ્તારોમાં જોવા મળે છે ભલે તે વર્ષા વન હોય કે સુકા અને પાનખર જંગલ વિસ્તાર હોય. વર્ષ 2015માં પહેલી વાર રાષ્ટ્રીય સ્તરે દીપડાની વસ્તી ગણતરી(વસ્તી અંદાજ) કરવામાં આવી જેમાં આશરે 7910 જેટલી દીપડાની વસ્તી ભારતમાં હશે તેવુ માનવામાં આવે છે. ભારતમાં સામાન્ય રીતે દીપડાઓ પીળા કલરમાં ચોક્કસ પ્રકારના કાળા ટપકા વાળા હોય છે પણ કેટલાક જંગલોમા(મેલેનીસ્ટીક) જનીનની ખામીના કારણે સંપુર્ણ કાળા કલર વાળા દિપડા પણ જોવા મળ્યા ના દાખલા છે. દીપડાની ઘટતી જતી વસ્તી અટકાવા માટે દિપડા વિશેની ખોટી માન્યતા આપણે સૌ એ બદલીવી પડશે.
(શ્રીનાથ શાહ)