આ સંતાકૂકડી પક્ષીને તમે જોયું છે?

થોડા સમય પહેલા હિંદી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસનું એક પાત્ર કંચન કોંબડી ખૂબ વખાણાયેલું, આ નામ પક્ષીનું મરાઠી નામ “પાણ કોંબડી” પરથી કદાચ પ્રેરીત હોય શકે એવું લાગે છે.

મરાઠીમાં “પાણ કોંબડી”, હિંદીમાં “જલમુર્ગી” અને ગુજરાતીમાં “સંતાકૂકડી” પક્ષી એટલે “વ્હાઈટ બ્રેસ્ટેડ વોટરહેન” (White-Breasted Waterhen). આ પક્ષી સામાન્ય રીતે નાના મોટા તળાવ, કીચડ વાળા વિસ્તાર અને તળાવની આસપાસની જમીન પર નાની વનરાજિ વાળા વિસ્તારમાં જોવા મળે.

લગભગ ભારતના દરેક ક્ષેત્રમાં આ પક્ષી જોવા મળે છે. કોઈ માણસ કે પ્રાણીને આવતા જોઈને ઘાસ કે વનરાજિમાં છુપાઈ જાય અને આસપાસની હલચલ શાંત થતા ફરી બહાર આવે. કદાચ આ આદતના કારણે જ ગુજરાતી તેનું નામ સંતાકુકડી પડયું હશે.

પાણીની વનસ્પતિ, નાની માછલી, જીવજંતુ વગેરેને ખોરાકમાં લેતુ આ સુંદર પક્ષી આપણી આસપાસ સરળતાથી જોવા મળી જાય છે.