ભાલના ખેડૂતોની મદદે યુરોપિયન મિત્ર ‘હેરિયર’

ગુજરાતના ભાલ વિસ્તારમાં કાળીયાર હરણ માટે પ્રખ્યાત એવું ‘કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન’ (બ્લેકબક નેશનલ પાર્ક) વેળાવદર ગામ પાસે આવેલું છે. આ પાર્ક હેરિયર પક્ષીઓ માટે પણ જાણીતું છે અને મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ ‘હેરિયર’ને નિહાળવા અહીં આવે છે. યુરોપ અને યુરેશિયા થી માઈગ્રેશન કરીને આવતા આ ‘હેરીયર’ પક્ષીઓ માટે વેળાવદરનું બ્લેકબક નેશનલ પાર્ક એ વિશ્વની સૌથી મોટી ‘Roosting Site’ (રાત્રે ઉંઘવા માટે એકત્રીત થવાનું સ્થળ છે.)

વેળાવદરના આ પાર્કમાં આટલી મોટી સંખ્યામાં ‘હેરિયર’ પક્ષીઓ આવવા પાછળનું કારણ છે અહીં આસપાસ ભાલ વિસ્તારના કપાસ પકવતા ખેડૂતો. ભાલના ખેડૂતો સ્થાનિક જાતનો ઉત્તમ કપાસ પકવે છે જેમાં વિવિધ પ્રકારના કીટકો કે તીડ પ્રકારની જીવાત થાય છે. આ જીવાતો તથા જંગલી ઉંદરો ‘હેરીયર’નો મુખ્ય ખોરાક છે.

વેળાવદરના નેશનલ પાર્કથી સવારે ઉડીને આસપાસના ભાલના કપાસના ખેતરોમાં ‘હેરીયર’ ઓછી ઉંચાઈએ ઉડ્યા કરે અને આવા કીટકો અને રોડેન્ટ ને મારીને ખાય છે, જે ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. પહેલાના સમયમાં ખેડૂતો આ સ્થાનિક જાતના કપાસમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા નહતા. આ જ કારણે ‘હેરીયર’ને ખૂબજ મોટા પ્રમાણમાં ખોરાક મળી રહેતો.

નવી પેઢીના ખેડૂતો જો જંતુનાશક દવા વગરનો કપાસ પકાવવાની પદ્ધતિ ચાલુ રાખશે તો ‘હેરીયર’નું ભાવી ખૂબજ ઉજ્જવળ હશે અને ઓર્ગેનિક કપાસની મોટી માંગને કારણે ખેડૂતોને પણ ફાયદો થશે.

ભાલ અને બ્લેકબક નેશનલ પાર્ક-વેળાવદરમાં ‘હેરીયર’ની સામાન્ય રીતે 4 જાત જોવા મળે છે. જેમાં ‘માર્શ હેરીયર’, ‘મોન્ટેગુસ હેરીયર’, ‘પેલીડ હેરીયર’ અને ‘હેન હેરીયર’.