ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પક્ષીઓની ફોટોગ્રાફી

અમદાવાદ થી બાવળા નેશનલ હાઈવે પર જાવ તો રસ્તાની બંને બાજુ અનેક નાની મોટી ફેકટરીઓ જોવા મળે. આજ થી થોડા વરસો પહેલા આ વિસ્તારમાં રસ્તાની બંને બાજુ વૃક્ષો અને ડાંગરના ખેતર જોવા મળતા.

થોડા વર્ષો પહેલા આજ રોડ પર એક નવા બનેલા મોટા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં ઉગેલા ઘાસમાં બ્લેક હેડેડ મુનીયા (ટ્રાયકલર મુનીયા) નો આ ફોટો મળ્યો હતો.

એ સમયે એસ્ટેટમાં 4-5 ફેકટરી બનેલી અને 4-5 બનતી હતી. ઘણા પ્લોટ ખાલી હતા. હાલ સંપૂર્ણપણે આ વિસ્તાર ફેકટરીઓથી ભરાય ગયેલ છે. જ્યારે પણ આ એસ્ટેટ પાસેથી પસાર થઉ ત્યારે આ એસ્ટેટમાં ટ્રાયકલર મુનીયા ઉપરાંત, બ્લેક બ્રેસ્ટેડ વીવર, પર્પલ સ્વામ્ફેન, સ્કેલી બ્રેસ્ટેડ મુનીયા જેવા લગભગ 20 થી વધુ પક્ષીઓના ફોટા પાડ્યા હતા તે અચુક યાદ આવે. હાલ તો ત્યાં એન્જીનિયરીંગ અને કેમિકલની ફેક્ટરી બની ગઈ છે. અગાઉ આ રસ્તા પર અનેક વાર સારસ બેલડી પણ જોવા મળતી જોકે હવે તેને અહીં નિહાળવી દૂર્લભ છે.

આમ હેબીટેટ લોસ (કુદરતી રહેઠાણના નુકશાન)એ અહીંથી પસાર થતી વખતે અચૂક સમજાય છે.