શંભુ બોર્ડરે ખેડૂતોએ દૂર કર્યાં કાંટાળી વાર, બેરિકેડ્સ

અંબાલાઃ વિવિધ માગોને લઈને દેખાવો કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં શંભુ બોર્ડર પર અટકાવી દેવામાં આવ્યા છે. દેખાવકાર ખેડૂતો દ્વારા પોલીસે લગાવેલી  કાંટાળી વાડ અને બેરિકેડ્સ હટાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂતોને વેરવિખેર કરવા માટે પોલીસે ટિયરગેસના ગોળા છોડવામાં આવ્યા છે.

શંભુ બોર્ડર પર સ્થિતિ વણસી છે. ટિયરગેસનો મારો ચલાવવામાં આવ્યો છે.  છેલ્લા આઠ મહિનાથી શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો ફરી એક વાર દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 101 ખેડૂતોનું જૂથ બપોરે એક વાગ્યાથી દિલ્હી જવા માટે નીકળી ગયું છે. ખેડૂતોના આંદોલનને જોતા હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર સુરક્ષા કડક કરી દીધી હતી.જોકે શંભુ બોર્ડર પર ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કરતાં જ મામલો બીચક્યો હતો. તેમણે બેરિકેડનું એક લેયર હટાવ્યું અને આગળ વધવા લાગ્યા. આ દરમિયાન ખેડૂતોને રોકવા માટે પોલીસે તાત્કાલિક ટિયરગેસનો મારો ચલાવ્યો હતો અને ભીડને વેરવિખેર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન એક ખેડૂતની અટકાયત પણ કરી લેવામાં આવી હતી.

ખેડૂતોના દેખાવો પર ટિપ્પણી કરતાં હરિયાણાના મંત્રી અનિલ વિજે સવાલ કર્યો કે શું ખેડૂતોએ મંજૂરી લીધી હતી? તેમને મંજૂરી વિના દિલ્હી કેવી રીતે જવા દઈએ? જો મંજૂરી મળશે તો જ તેમને દિલ્હી જવા દેવામાં આવશે.