નવી દિલ્હીઃ પંજાબના ખનૌરી સરહદે છેલ્લા 10 મહિનાથી ધામો નાખીને બેઠેલા ખેડૂતોનો એક જથ્થો આજે દિલ્હી કૂચ કરવાનો છે. ખનૌરી સરહદે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ દરેક ઘરમાંથી એક વ્યક્તિને પહોંચવાનું આહવાન કર્યું છે. જોકે ખેડૂતોની કૂચને લઈને વહીવટી તંત્રએ કમર કરી છે.
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા જિલ્લા વહીવટી તંત્રે કલમ 163 લાગુ કરી છે, જે અંતર્ગત આગામી આદેશો સુધી પગપાળા, વાહન અથવા અન્ય માધ્યમથી કોઈ પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હરિયાણા સરહદ પર બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોને કૂચ કરવાની મંજૂરી નથી, તેથી તેમને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.આ ખેડૂતોની બધા પાકની ખરીદી પર ગેરંટીડ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત તેમણે કૃષિ લોન માફી, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં વધારો ન કરવા, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા, 2021 લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય, જમીન સંપાદન અધિનિયમ, 2013નું પુનઃ પ્રારંભ, ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને સ્વામિનાથન પંચનાં સૂચનોને લાગુ કરવાની માગ કરી છે.
ખેડૂતોની દિલ્હી તરફની કૂચને ધ્યાનમાં રાખીને હરિયાણાના દાતા સિંહ વાલા બોર્ડર પર સુરક્ષા દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે નરવાના-પટિયાલા નેશનલ હાઈવે પર ઉઝાના કેનાલમાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નરવાના કેનાલ પૂલ પર નાકાબંધી કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થિતિને જોતા દાતા સિંહવાલા બોર્ડર પર સુરક્ષા દળોની 14 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે અને દરેક આવતા-જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાદીને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.