ઝારખંડ: રાજ્યમાં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હવે ઝારખંડ મુક્તિ મોરચા છોડી ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. લોબિન હેમ્બ્રમ પણ ભાજપમાં સામેલ થવા માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. એવામાં પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી યશવંત સિંહા ચૂંટણી પહેલાં જ એક નવા પક્ષની રચના કરી શકે છે. તેઓ પક્ષનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખી શકે છે.
સૂત્રો અનુસાર હજારીબાગમાં રવિવાર સાંજે સમર્થકો સાથે એક બેઠક દરમિયાન તેમણે નવા પક્ષની રચના કરવાનો પ્રસ્તાવ કરવા પર ચર્ચા કરી છે. સોમવારે તેઓ દિલ્હી જવા રવાના થાય તે પહેલાં જયંત સિંહાએ જણાવ્યું કે, સમાજના વિભિન્ન વર્ગો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ અટલ વિચાર મંચની રચના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
યશવંત સિંહા 1998, 1999 અને 2009માં હજારીબાગ લોકસભા બેઠક પરથી જીત્યા હતા. 2004ની ચૂંટણીમાં તેઓ ભાકપા (ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી)ના ઉમેદવાર ભુવનેશ્વર મહેતા સામે પરાજિત થયા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપમાંથી યશવંત સિંહાના મોટા પુત્ર જયંત સિંહને હજારીબાગ બેઠક પરથી ટિકિટ મળી હતી. જો કે, હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં જયંત સિંહાના સ્થાને મનિષ જયસ્વાલને ટિકિટ મળી હતી. જયસ્વાલ 2.76 લાખ મતોથી જીત્યા હતા.