હવે ઉમેદવારો સત્તાના સમીકરણો સેટ કરશે…

ગાંધીનગર- ગુજરાતમાં 2017ની આખરી માસ એટલે કે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આજે પૂર્ણ થઇ રહી છે. અત્યાર સુધી લોકમુખે 9 ડિસેમ્બર અને 14 ડીસેમ્બરની તારીખો ચર્ચાઈ હતી, હવે ગુરુવાર સાંજ પછી 18મી ડીસેમ્બરની સવારની ઘડીની રાહ જોવામાં આવશે. આજે 5 વાગે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે પછી રાજકીય ગણિતકારો કઈ જ્ઞાતિના કેટલા મત પડ્યાં, આ વિસ્તારમાં કેવું રહેશે, જેવા અનેક સમીકરણો ચર્ચામાં આપસી મશગૂલ રહેશે.
સમગ્ર દેશમાં જ્યાં પણ ચૂંટણી યોજાતી હોય છે, ત્યારે મતદાનની આગલી રાત્રે પ્રજા શાંતિથી નિંદ્રામાં હોય ત્યારે આપણા આ રાજકીય આગેવાનો પોતાના ઉમેદવારને જીતાડવા શામ-દામ-દંડની નીતિ અપનાવવામાં મશગૂલ હોય છે. આમ ચૂંટણીના મતદાનની આગલી રાત્રિને કતલની રાત જેવા શબ્દ પ્રયોગથી નવાજવામાં આવે છે.શહેરો કી ગલીયો મેં જબ અંધેરા હોતા હે,  આધી રાત કે બાદ…. આ ગીત મુજબ આજે બીજા તબક્કાની બેઠકોમાં મધરાત્રે ચૂંટણીના કલંકિત કાવાદાવા જામે છે. બન્ને પક્ષના “ચુનંદા” આગેવાનો બનતું બધું કરી છૂટશે. અંગત સંબંધોથી થતા ખણખનિયાના ખેલથી ખેલ આદરે છે, સર્વેલન્સ ટીમ જો મધરાત્રે જો કોમ્બિંગ હાથ ધરે તો અઢળક કાળું નાણું ઝડપાઇ શકે.
મતદાનની પૂર્વ રાત્રિએ રાજકીય આગેવાનો ધાર્યા નિશાન પાર પાડવા તનતોડ પ્રયાસો કરતા હોય છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહયો છે. ત્યારે બંને પક્ષના નબળા કે લેભાગુ આગેવાનો રોકડી કરીને પક્ષને દગો વર્ષોથી આપતા આવ્યાં છે. આજે કંઈક ચોંકાવનારા રાજકીય કાવાદાવા ખેલાશે તે નિશ્ચિત છે.