કાલોલ બેઠક માટે સાંસદે પત્નીને ટિકીટ આપવા દબાણ કર્યું, પુત્રએ પણ કરી દાવેદારી

અમદાવાદ– ભારતીય જનતા પક્ષની શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપને ડાઘ લાગે તેવી ઘટનાઓ બહાર આવી રહી છે. પંચમહાલથી ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે જો તેમની પત્ની રંગેશ્વરી ચૌહાણને કાલોલથી ટિકીટ નહીં અપાય તો પક્ષ છોડવાની ધમકી આપી છે. સાથે જ તેમના પુત્રે પણ એ જ બેઠક પર ટિકીટ માગી છે.

પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર પ્રવીણસિંહ ચૌહાણ પણ કાલોક સીટથી પોતાની દાવેદારી કરતાં જણાવ્યું કે મેં મારી ઇચ્છા પક્ષને જણાવી હવે આખરી નિર્ણય પક્ષે લેવાનો છે. પ્રવીણસિંહ ગત વર્ષે કોંગ્રેસમાં જોડાયાં હતાં પરંતુ પાછાં આ વર્ષે ભાજપમાં આવી ગયાં હતાં.પ્રભાતસિંહની પત્ની રાગેશ્વરી ઘોઘંબા તાલુકા અધ્યક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે પક્ષ જો દોઢસો બેઠક જીતવા માગે છે તો એવા ઉમેદવાર પસંદ કરવા જોઇએ જેઓએ જનતા માટે કામ કર્યું છે.

ભાજપે પંચમહાલ જિલ્લાની કુલ પાંચમાંથી કાલોલ બેઠક છોડીને અન્ય ચાર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધાં છે. 2012માં અહીંથી ભાજપના અરવિંદસિંહ રાઠોડે ચૂંટણી જીતી હતી.