બે ઉમેદવારોને સરખા મત મળે તો શું પરિણામ આવે ?

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થઇ ગઈ આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી રહેશે તેમ રાજકીય લોકો માની રહ્યાં છે. ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ઓછા મતની સરસાઈથી ઉમેદવારો જીત્યાં છે. અત્રે એકાદ બે વાત કરવી જરૂરી છે કે રાજસ્થાનમાં જોષી માત્ર 1 મતે હાર્યા હતાં વડોદરા લોકસભામાં સત્યજીત ગાયકવાડ માત્ર 17 મતે વિજયી બન્યાં હતાં.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નવા પરિબળો ઉમેરાતા વધારે રસપ્રદ બની છે. દરેક ચૂંટણીમાં જુદા જુદા પરિબળો કામ કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં દરેક ઉમેદવાર જીતની આશા સાથે ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં મુખ્ય સ્પર્ધા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ દેખાય છે. જો પક્ષને સરખી બેઠકો મળે તો નવી સરકારની રચનામાં રાજ્યપાલની ભૂમિકા મહત્વની થઇ જતી હોય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઈ 9 ડિસેમ્બરે મતદાન થઈ ગયું. એ માટે ઉપયોગમાં લેવામાં આવેલા અને લોકોનાં મતોનો જેમાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)ને સુરતમાં એક સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. રાજ્યમાં બીજા ચરણનું મતદાન 14 ડિસેમ્બરે યોજાશે અને 18 ડિસેમ્બરે મતગણતરી અને પરિણામ છે. ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ પાર્ટીએ આ વખતે તેની સામે જોરદાર રીતે પડકાર ઊભો કર્યો છે.

કદાચ કોઈ બેઠકમાં બે કે તેથી વધુ ઉમેદવારોને એક જ સરખા પ્રમાણમાં મત મળે તો શું થાય ? તેવો સવાલ રાજકીય રસિકોમાં ઉઠી રહ્યો છે જો આવું થાય તો ચિઠ્ઠી નાખીને વિજેતા ઉમેદવાર નક્કી કરવાની જોગવાઈ હોવાનું ચૂંટણી પંચના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે સરખા મતના સંજોગોમાં નસીબ જ નિર્ણાયક બની શકે છે.
સામાન્ય રીતે વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સામાન્ય મતથી માંડી તોતિંગ મત સુધીનો તફાવત રહેતો હોય છે. તો ક્યારેક એક આંકડાની સંખ્યાના મતથી હારજીત થયાના દાખલા છે. જો કોઈ બેઠકમાં બે ઉમેદવારો વચ્ચે કે પણ મતની વધઘટ ન રહે અને બન્નેને સરખાં મત મળે તો ચૂંટણી અધિકારી બન્ને ઉમેદવારો અને પંચની હાજરીમાં ચિઠ્ઠી નાંખી વિજેતા ઉમેદવાર નક્કી કરવા પડે. આવા સંજોગોમાં ઉમેદવારને ધારાસભ્ય બનાવવા માટે નસીબ જ નિર્ણાયક બને.
સરખા મતના સંજોગોમાં ફેર મત ગણતરી અને રાજકીય તથા કાનૂની વિવાદને અવકાશ રહે છે. મત ગણતરીના દરેક તબક્કે ઉમદેવાર અથવા તેના અધિકૃત એજન્ટની સહી થતી રહે છે. એક તબક્કાની તમામ પ્રક્રિયા પુરી થયા પછી જ બીજો તબક્કો શરૂ થાય છે. એક વખત જે મતગણના સાથે ઉમેદવારો સહમત થઈ ગયા હોય તેની ફરીથી ગણતરી થતી નથી જો વિવાદ થાય તો જે તે તબક્કાની જ ફરીથી ગણતરી થઇ શકે છે. ગુજરાતમાં મત મશીનથી મતદાન પદ્ધતિ શરૂ થઇ પછી ક્યારેય લોકસભા કે ધારાસભાની ચૂંટણીમાં એકથી વધુ ઉમેદવારને એક સરખા મત મળ્યાનો પ્રસંગ બન્યો નથી જો આ વખતની ચૂટણીંમાં સરખા મતના સંજોગો સર્જાય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઘણી વખત ચિઠ્ઠી નાખીને વિજેતા નક્કી કરવામાં આવે છે. તે જ પદ્ધતિ અમલી બની શકે છે. અત્યારે તો આ બાબત માત્ર કલ્પનાનો વિષય છે.