રાંચીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ચૂંટણી પંચે વિધાનસભ્યપદ માટે ગેરલાયક ઠેરવ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. રાજભવનનાં સૂત્રો જણાવ્યાનુસાર ચૂંટણી પંચે રાજ્યપાલથી કહ્યું હતું કે સોરેનને ચૂંટણીના માપદંડોના ઉલ્લંઘન કરવા માટે એક વિધાનસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા જોઈએ. જેથી ઝારખંડમાં મુખ્ય પ્રધાન હેમંત સૌરેનના ગેરલાયક ઘોષિત ઠેરવ્યાના સમાચાર આવ્યા પછી રાજ્યમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બીજી બાજુ, સોરેન પાર્ટીના સભ્યો અને સહયોગી પક્ષોની સાથે ભવિષ્યની વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે. ચૂંટણી પંચે પોતાનો નિર્ણય રાજ્યપાલ રમેશ બેસને એક બંધ કવરમાં આપ્યો છે.
મુખ્ય પ્રધાન હેમંત સોરેને આ મામલે કહ્યું હતું કે ચૂંટણી પંચે રાજ્યના ગવર્નરને તેમને અયોગ્ય હોવાની ભલામણ કરી છે. તેની માહિતી તેમને નથી. તેમણે કહ્યું હતું કે ભાજપના એક સાંસદ અને તેમના કઠપૂતળી પત્રકારો પંચના રિપોર્ટનો મુસદ્દો તૈયાર કર્યો છે, જે એક બંધ કવરમાં છે.
રાજ્યમાં ચાલી રહેલી ઊથલપાથલની વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મુખ્ય પ્રધાનના સભ્યપદ રદ થવાના સવાલ પર કહ્યું હતું કે હેમંત સોરેનની પાસે બહુ વિકલ્પ છે. ભાભીજી, કાકીજી, દાઉદ ઇબ્રાહિમ અને પ્રેમ પ્રકાશ- એ કોઈને પણ મુખ્ય પ્રધાન બનાવી શકે છે.
ઝારખંડમાં કોઈ પણ વિધાનસભામાં છ મહિનાની અંદર ચૂંટણી સંભવ નથી, કેમ કે રાજ્યમાં મતદાતા યાદીને અપડેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાસ્તવમાં ખનિજ કૌભાંડ મામલે ચૂંટણી પંચે સોરેનનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરી છે.