જામનગર: રિલાયન્સ અને ઓઈલ રીફાઈનરી માટે જાણીતું શહેર એટલે જામનગર. અરબ સાગર પાસે આવેલું આ શહેર કચ્છની ખાડીના દક્ષિણમાં છે. જામનગરનું નિર્માણ જામસાહેબે 1540માં કરાવ્યું હતું. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના તે સમયમાં આવતા દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું. જામનગર લોકસભા બેઠક હાલાર બેઠકથી ઓળખાતી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી જેમાં પ્રથમ સાંસદ મેજર જનરલ એમ.એસ હિંમતસિંહ હતા. તેમણે બિનહરીફ આ બેઠક પરથી જીત મેળવી હતી. વર્ષ 1962માં જામનગર બેઠર અસ્તિત્વમાં આવી ત્યારે પ્રથમ સાંસદ તરીકે મનુભાઇ શાહ હતા. જામનગર લોકસભા બેઠક પર આહીર અને પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર મોટા ભાગે પાટીદાર, ક્ષત્રિય અને આહીર સમાજમાંથી આવતા ઉમેદવારની જીત થઇ છે. સીમેન્ટ, માટી, વાસણો અને બાંધણી અહીંના મુખ્ય ઉત્પાદનો છે.
ઉમેદવાર
ભાજપ- પૂનમ માડમ
પૂનમ માડમનો જન્મ 1974ના રોજ જામનગરમાં એક આહિર પરિવારને ત્યાં થયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. તેમના પિતા સ્વ. હેમંત માડમ જામખંભાળીયા બેઠક પર ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં જામ ખંભાળીયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી.
કોંગ્રેસ- જે. પી. મારવીયા
કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓ જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકયા છે. આશરે 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર, નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે.
PROFILE
- જામનગર લોકસભા બેઠકમાં જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના પૂનમ માડમ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,36,804 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
- કુલ મતદારો 18,08,518
- પુરુષ મતદાર 9,27,593
- સ્ત્રી મતદાર 8,80,892
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
જામનગર ઉત્તર | ભાજપ | રિવાબા જાડેજા | 88,835 | 53,570 |
જામનગર દક્ષિણ | ભાજપ | દિવ્યેશ અકબરી | 86,492 | 62,697 |
જામનગર ગ્રામ્ય | ભાજપ | રાઘવજી પટેલ | 79,439 | 47,500 |
કાલાવડ | ભાજપ | મેઘજી ચાવડા | 59,292 | 15,850 |
જામજોધપુર | આપ | હેમંત ખવા | 71,397 | 10,403 |
ખંભાળિયા | ભાજપ | મુળુભાઈ બેરા | 77,834 | 18,745 |
દ્વારકા | ભાજપ | પબુભા માણેક | 74,018 | 5,327 |
જામનગર બેઠકની વિશેષતા
- જામનગરલોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે.
- સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે.
- 1998માં ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી.
- 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી.
- 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પણ તેઓ ફરી વિજેતા બન્યા.