ભરૂચ: શહેરનું નામ પ્રખ્યાત હિંદુ ઋષિ ભૃગુ પરથી પડ્યું છે. ભરૂચનું ઐતિહાસિક નામ ‘ભૃગુકચ્છ’ છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. અનેક ઔદ્યોગિક કેન્દ્રો આ બેઠકમાં આવેલાં છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ બેઠક આ વખતે સૌથી ચર્ચાસ્પદ છે. કારણ કે આ વખતે ભાજપ અને આપ વચ્ચે મજબૂત ટક્કર છે. એક તરફ ભાજપમાંથી 6 ટર્મ સુધી અવિરત વિજય રથ ચલાવતા મનસુખ વસાવા છે તો બીજીબાજુ આપમાંથી લોકપ્રિય બની ચૂકેલા ચૈતર વસાવા છે. આ બેઠક પર 1989 સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે. જોકે ત્યારબાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બી.ટી.પી. આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો. આદિવાસી અને મુસ્લિમ મતદારો આ બેઠક પર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ઉમેદવારો
ભાજપ – મનસુખ વસાવા
આદિવાસી સમાજના સૌથી મોટા અને ભાજપના વરિષ્ઠ નેતા છે. એકપણ ચૂંટણી હાર્યા નથી. B.A. અને M.S.W.ની ડિગ્રી ધરાવે છે. તેઓ સતત છ વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. પહેલીવાર 1998માં જીત્યા હતા. ત્યારથી તેઓ ભરૂચ બેઠક પર કબજો જમાવીને બેઠા છે. કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.
આપ – ચૈતર વસાવા
નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેમણે રાજકારણની શરૂઆત છોટુ વસાવા સાથે કરી હતી. છેલ્લાં 10 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે.
મતદારોની સંખ્યા
કુલ મતદાતા – 17,13,731
પુરૂષ મતદાતા– 8,72,841
મહિલા મતદાતા– 8,40,807
PROFILE
- ભરૂચ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ડેડિયાપાડ, જંબુસર વાગરા, ઝઘડિયા(SC), ભરૂચ, અંકલેશ્વર અને કરજણનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,34,214 વોટની લીડથી જીત્યા હતા.
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | ઉમેદવાર | પક્ષ | વોટ | લીડ |
ડેડિયાપાડા | ચૈતર વસાવા | આપ | 1,03,433 | 40,282 |
જંબુસર | દેવકિશોરદાસજી સાધુ | ભાજપ | 91,533 | 27,380 |
વાગરા | અરૂણસિંહ રાણા | ભાજપ | 83,036 | 13,452 |
ઝઘડિયા(ST) | રિતેશ વસાવા | ભાજપ | 89,933 | 23,500 |
ભરૂચ | રમેશ મિસ્ત્રી | ભાજપ | 1,08,655 | 64,473 |
અંકલેશ્વર | ઇશ્વર પટેલ | ભાજપ | 96,405 | 40,441 |
કરજણ | અક્ષય પટેલ | ભાજપ | 83,748 | 26,306 |
વિશેષતા
- બિન અનામત બેઠક છે પરંતુ આદિવાસી નેતા જ ચૂંટાય છે. સૌથી વધુ આદિવાસી વસ્તી આ બેઠક પર છે.
- સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ 1977માં આ બેઠક પરથી પ્રથમ વખત સાંસદ બન્યા હતા. 1984 અને 1989માં ફરી પણ સાંસદ બન્યા.
- 1989ની ચૂંટણીમાં ભાજપના ચંદુ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા. ભાજપ ત્યારથી આ બેઠક પર જીતતું આવ્યું છે.
- 1999થી આ બેઠક મનસુખ વસાવા પાસે છે.