આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે જાણીતું છે. આણંદ લોકસભા બેઠક પર વર્ષ 1947થી અત્યાર સુધી ક્ષત્રિય સમાજ અને પાટિદાર સમાજના ઉમેદવારો વચ્ચે મહત્તમ ચૂંટણી જંગ જામતો આવ્યો છે. આઝાદીથી અત્યાર સુધીમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં 11 વખત ક્ષત્રિય સમાજના ઉમેદવારો આ બેઠક પર જીતતા આવ્યા છે. તેવામાં છેલ્લી 6 ટર્મમાં 3 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસ દ્વારા છેલ્લી ચાર ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસમાં પ્રથમ હરોળના નેતાની ગણનામાં આવતા ભરતસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા હતા. જેમનો 2019ની ચૂંટણીમાં મિતેષ પટેલ સામે પરાજય થયો હતો.
ઉમેદવાર
ભાજપ: મિતેષ પટેલ
‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવે છે. બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.)માં ડિપ્લોમા કર્યું છે. વર્ષ 2019માં મિતેષ પટેલે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બન્યા હતા. મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં રહી છે. તેઓ 42 કરતા વધારે ડિબેટમાં સામેલ થયા હતા. વિશ્વસ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી.
કોંગ્રેસ: અમિત ચાવડા
અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત વર્ષ 2004માં બોરસદથી વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા.
PROFILE
- આણંદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેષ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,97,718 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 17,68,851
પુરુષ મતદાર 9,03,402
સ્ત્રી મતદાર 8,65,317
- વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
ખંભાત | કોંગ્રેસ | ચિરાગ પટેલ | 69,069 | 3,711 |
બોરસદ | ભાજપ | રમણ સોલંકી | 91,772 | 11,165 |
આંકલાવ | કોંગ્રેસ | અમિત ચાવડા | 81,512 | 2,729 |
ઉમરેઠ | ભાજપ | ગોવિંદ પરમાર | 95,639 | 26,717 |
આણંદ | ભાજપ | યોગેશ પટેલ | 1,11,859 | 41,623 |
પેટલાદ | ભાજપ | કમલેશ પટેલ | 89,166 | 17,954 |
સોજીત્રા | ભાજપ | વિપુલકુમાર પટેલ | 87,300 | 29,519 |
ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપતા ખંભાત બેઠક પર વિધાનસભા ચૂંટણી યોજાશે. આણંદ બેઠકની વિશેષતા
- આણંદ સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે પ્રખ્યાતછે
- ૧૯૫૧ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠકો હતી.
- વર્ષ ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી.
- ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટાયા હતા.
- આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ હતો પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપની જીત થાય છે.