રિષી સુનકની સ્પીચમાંથી શું શીખવા જેવું?

અબ કી બાર 400 પારઃ બ્રિટનની ચૂંટણીમાં લેબર પાર્ટી 400 થી વધારે બેઠક જીતીને સત્તામાં આવી એ પછી સોશિયલ મિડીયામાં વાઇરલ થયેલી આ મજાક સિવાય બ્રિટનની ચૂંટણીને હમણાં જ પૂરી થયેલી ભારતની ચૂંટણી સાથે કાંઇ કરતા કાંઇ લેવાદેવા નથી, પણ આમ છતાં છેલ્લા એક દાયકામાં રાજકીય ઉથલપાથલ અને બ્રેકિઝટ સહિતની અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલા ગ્રેટ બ્રિટનને મળેલી સ્થિર સરકાર, ચૌદ વર્ષે લેબર પાર્ટીની સત્તા-વાપસી અને સત્તાનું હસ્તાંતરણ ઘણું કહી જાય છે.

મિથ્યા આત્મગૌરવ અને સમજ્યા કારવ્યા વિના સોશિયલ મિડીયામાં ફેંકાતા અધકચરાં અભિપ્રાયોથી દૂર હટીને, જો સમજવું જ હોય તો, બ્રિટનની આ ચૂંટણી પછી આટલું સમજવાની જરૂર છેઃ

એકઃ ગ્રેસ. હારને ખેલદિલીથી સ્વીકારતાં આવડવું જોઇએ. 10, ડાઉનિંગ સ્ટ્રીટ (બ્રિટનના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન) છોડતી વખતે રિષી સુનકે આપેલી સ્પીચ અને નવનિયુક્ત વડાપ્રધાન સ્ટાર્મરની સ્પીચ સાંભળજો. લાગણીના ઊબકા કે આડંબર વિના, સામેના પક્ષને દુશ્મન ગણ્યા વિના હાર કે જીતને કઇ રીતે સ્વીકારાય એ શીખવા જેવું છે. સુનકની સ્પીચમાં ક્યાંય સ્ટાર્મર કે લેબર પાર્ટી માટે ડંખ નહોતો. ઉલ્ટાનું, એમણે એ હદ સુધી કહ્યું કે, અમારી સરકારની સફળતા એ હવે તમારી સફળતા છે. એનો ઊંડો અર્થ એ થાય કે, સફળતા હંમેશા રાષ્ટ્રની હોય છે, સત્તાપક્ષની નહીં. ‘આઇ એમ સોરી’ – હાર્યા પછી આટલું કહીને સુનકે બ્રિટીશરોનાં દિલ જીતી લીધાં!

બેઃ રિષી સુનકે પોતાના વંશીય મૂળનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બે પેઢી પહેલાં મારો પરિવાર બ્રિટનમાં આવ્યો. આજે મારી બન્ને દીકરી બ્રિટનમાં દીવાળી વખતે દીવડાઓ પ્રગટાવે છે અને હું બ્રિટનનો પીએમ બની શકું છું. આ બધું બ્રિટીશ મૂલ્યોને આભારી છે. કેટલી સચોટ વાત! વાસ્તવમાં, આ બ્રિટીશ લોકશાહી મૂલ્યોને આભારી છે કે વિદેશી મૂળની કોઇ વ્યક્તિ ફક્ત ને ફક્ત લાયકાતના ધોરણે ટોચના બંધારણીય પદે બેસી શકે છે. કોઇ બ્રિટીશરે, રિષી સુનકનો વંશીય મુદ્દે વિરોધ કર્યાનું સાંભળ્યું? અમેરિકામાં કમલા હેરીસ, બ્રિટનમાં રિષી સુનક કે અન્ય રાષ્ટ્રોમાં ભારતીય મૂળના લોકો ટોચના પદે બિરાજે ત્યારે કારણવગર હરખપદૂડા થઇને સોશિયલ મિડીયામાં મફતના ફટાકડાં ફોડનારાઓ આમાંથી ધડો લઇ શકે (જો લેવાની તૈયારી હોય તો) કે, એમની સફળતામાં એમની વ્યક્તિગત ક્ષમતા અને એ દેશમાં પ્રવર્તતા મૂલ્યોનો ફાળો છે, એમના ‘ભારતીય મૂળના હોવાપણા’ નો નહીં!

ત્રણઃ રિષી સુનક જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે આપણે ત્યાં કેટલાક લોકો એમના ભારતીય મૂળને લઇને (અને નારાયણ મૂર્તિના જમાઇ હોવાને લઇને) ઉન્માદે ચડેલા. જાણે સુનકના વડાપ્રધાન બનવાથી ભારતે અંગ્રેજો સામે દોઢસો વર્ષની ગુલામીનો બદલો ન લઇ લીધો હોય! સુનકને આપણે જ તલવાર લઇને બ્રિટીશરો સામે લડવા મોકલ્યા હોય અને સુનકે બ્રિટનની ગાદી કબજે કરી હોય એવો આફરો ચડેલો આ લોકોને. વાસ્તવમાં, સુનકની કાર્યકાળ દરમ્યાન ભારત-બ્રિટન વચ્ચે એવી કોઇ ઐતિહાસિક સમજૂતી નથી થઇ , જેમાં ભારતને વિશેષ લાભ મળ્યો હોય. સુનક એવું કરી પણ ન શકે, કેમ કે એ બ્રિટનના વડા તરીકે એ એના દેશને જ વફાદાર હોય એ સ્વાભાવિક છે. ભારતીય મૂળ ધરાવતાં હોવા છતાં સુનક એ પહેલાં બ્રિટીશર છે એ સમજવાની જરૂર હતી. એ વાતમાંથી શીખવાનું એટલું જ કે, આવતીકાલે કમલા હેરીસ અમેરિકાની પ્રેસિડેન્ટ બને તો પણ બહુ ગાઇ-વગાડીને ઊછળકૂદ કરવી નહીં.

ચારઃ રહી વાત સ્ટાર્મરના નેતૃત્વમાં ભારત અને બ્રિટનના સંબંધોની. સુનકના જવાથી કે સ્ટાર્મરના આવવાથી હવે ભારત સાથે સંબંધો કથળશે કે અચાનક સુધરી જશે એવું માની લેવાની જરૂર નથી. વર્ષ 2019માં જ્યારે લેબર પાર્ટીએ જર્મી કોર્બિનના નેતૃત્વમાં કશ્મીરમાં માનવીય સંકટ છે એ મતલબનો ઠરાવ મૂક્યો ત્યારે આ જ સ્ટાર્મરે એનો વિરોધ કરીને આ મામલાને ભારતનો આંતરિક મામલો ગણાવેલો. યાદ રહે, સ્ટાર્મર માનવઅધિકારોના હિમાયતી ગણાય છે. ભારતના અર્થતંત્રનું કદ અને બજારને જોતાં બ્રિટન આપણને અવગણી શકે એમ પણ નથી એટલે મુક્ત વેપારની સમજૂતીના મુદ્દે સ્ટાર્મર કઇ રીતે આગળ વધે છે એ જોવાનું રહે છે.

પાંચઃ યાદ રહે કે વિદેશનીતિ, પછી એ કોઇપણ દેશની સાથે હોય, હંમેશા એકબીજા દેશની ગરજના આધારે જ ઘડાતી હોય છે. એમાં લાગણીઓને કોઇ સ્થાન નથી હોતું. આપણો દેશ જેટલો મજબૂત, દુનિયાના દેશોને આપણી જેટલી ગરજ અને આપણને એમની જેટલી ગરજ એટલા સંબંધો મજબૂત એ વિદેશનીતિનો વણલખ્યો, પણ પાયાનો નિયમ છે. ઇન શોર્ટ, બીજા દેશમાં સત્તા પરિવર્તન થાય ત્યારે એની પાછળ એ દેશનું આતરિક રાજકારણ અને આંતરિક પરિબળો જવાબદાર હોય છે. એને ભારત કે ભારતીય મૂળ સાથે સીધી રીતે જોડીને જોવાની જરૂર નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)