સુરતઃ કોનું થયું વસ્ત્રાહરણ?

છેવટે ચૂંટણીના આ મહાભારતમાં કોંગ્રેસની આબરુહરણનો સીન સુરતમાં ભજવાઇ ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ અને એ પછી જે રાજકીય ડ્રામા સર્જાયો એ આમ તો લોકશાહીનું વસ્ત્રાહરણ છે, પણ કોંગ્રેસ એમાં ઓછી કસૂરવાર નથી. બુધવાર, 24 એપ્રિલની બપોરે આ લખાઇ રહ્યું છે ત્યારે સુરતમાં નિલેશ કુંભાણીનો અતોપતો નથી અને એ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતો પૂરજોશમાં ચાલી રહી છે.

લોકસભા જેવી મહત્વની ચૂંટણીમાં પક્ષનો ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે એના ટેકેદારો કોણ છે એની જો ગુજરાત કોંગ્રેસના મોવડીઓને ખબર ન પડે, તમારો ઉમેદવાર ચૂંટણી લડવા માટે કેટલો ગંભીર છે એ તમે માપી ન શકો કે ફોર્મ ભર્યા પછી તમારો ઉમેદવાર જ કોની સાથે સંપર્કમાં છે એ તમે જાણી ન શકો તો ફક્ત ભાજપ પર દોષનો ટોપલો ઢોળવાનો અર્થ નથી. અમદાવાદ (પૂર્વ) ની બેઠક પર ય ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાના નામની જાહેરાત કરાય એ પછી ઉમેદવાર પોતે જ ગળે ન ઉતરે એવું કારણ આપીને પાછો હટે અને થોડાક જ દિવસમાં ભાજપમાં જોડાઇ જાય અને આ બનાવ પછી ય કોંગ્રેસનું નેતૃત્વ સાવધ ન થાય એ કેવું? અરે, અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પર પક્ષના ઉમેદવાર ફોર્મ ભરવા ગયા ત્યારે શેરીનું એક ટેણિયું મેન્ડેટનો કાગળ આંચકી ગયેલું!

આ બધામાં ભાજપનો હાથ હોય તો પણ કોંગ્રેસની નેતાગિરી એની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ચૂંટણીમાં તમે જ્યારે દેશનું સુકાન સંભાળવાનો ચુકાદો માગતા હો અને પક્ષની આવી આંતરિક બાબતોને સરખી રીતે ન સંભાળી શકો તો એ એક અર્થમાં લોકશાહીની મજાક જ છે.

અલબત્ત, આ મજાક માટે ભાજપ પર પણ એટલા જ સવાલ ઉઠાવી શકાય એમ છે. સૌથી મોટો સવાલ એ છે કે, સુરત બેઠક પર ભાજપની જીત સામે કોઇનેય શંકા નહોતી. આટલી સુરક્ષિત બેઠક પર આવો રાજકીય ડ્રામા કરવાની પક્ષને કેમ જરૂર પડી? કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવામાં પક્ષનો કોઇ હાથ ન હોવાની ભાજપની દલીલ સાચી લાગતી નથી, પરંતુ જો એ સાચી હોય તો પણ, ચોવીસ જ કલાકમાં બાકીના આઠ અપક્ષ ઉમેદવાર ફોર્મ પાછા ખેંચે અને ભાજપના ઉમેદવાર બીનહરીફ ચૂંટાઇ જાય એ બધું આપમેળે જ થયું હોય એ વાત માની શકાય એમ નથી.

એક તરફ, મજબૂત સ્થિતિમાં હોવા છતાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા સામે પક્ષમાં જ આંતરિક કચવાટ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ, સુરત જેવી આસાન બેઠક પર આવું કરવાની શું જરૂર હતી એવો સવાલ પણ ભાજપમાં જ અંદરખાને ઉઠી રહ્યો છે.

જે હોય તે, પણ લોકશાહી માટે જો સ્થિતિ સારી નથી તો ભાજપ કે કોંગ્રેસ માટે પણ એ સ્થિતિ સારી તો નથી જ નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)