-તો, કાઉન્ટ ડાઉન શરુ થઇ ચૂક્યું છે. મંગળવારે, 7 મે ના રોજ ગુજરાતના 4.98 કરોડ મતદારો લોકશાહીના સૌથી અમોઘ શસ્ત્ર મનાતા ‘મત’ નો ઉપયોગ કરીને ગુજરાતનો ફેંસલો નક્કી કરશેઃ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર છવ્વીસમાંથી છવ્વીસ કે કોંગ્રેસનો પણ ભાગ?
એકઃ કેવોક રહ્યો પ્રચાર?
એક વાત નક્કી છે. ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી 2024ની આ ચૂંટણી રાજા-મહારાજાઓના નામે લખાશે. માર્ચના મધ્યભાગમાં ચૂંટણી જાહેર થઇ થઇ એ પહેલાંની સ્થિતિ યાદ કરો. એવું મનાતું હતું કે ગુજરાતમાં ભાજપને 26 માંથી 26 બેઠક જીતવામાં કોઇ પડકાર નથી. કોંગ્રેસ માટે તો અમુક બેઠક પર ઉમેદવાર શોધવામાંય મુશ્કેલી છે. ચૂંટણીમાં કોઇ એવો કેન્દ્રવર્તી મુદ્દો નજરે નહોતો ચડતો, જેના ફરતે ચૂંટણીનો માહોલ બંધાય. એ તો ભલું થજો ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનું કે, કોઇ નબળી ક્ષણે એમની જીભેથી એક નિવેદન છૂટ્યું અને ગુજરાતની ચૂંટણી મુદ્દાવિહોણી થતાં અટકી ગઇ! ક્ષત્રિયો ય મેદાનમાં આવ્યા અને રાજા-મહારાજાઓ પણ ચૂંટણીના રણસંગ્રામમાં નિવેદનોની તલવારો તાણતા દેખાયા!
ક્ષત્રિયોના પહેલાં રૂપાલા અને પછીથી ભાજપ સામેના આંદોલન વિશે અહીં ઘટનાઓનું પુનરાવર્તન નથી કરવું, પણ ગુજરાતની સુરત સિવાયની તમામ બેઠક પર હાર-જીત કે જીતના માર્જિન પર આ વખતે ક્ષત્રિય સમાજનું મતદાન અસર કરશે એ ચોક્કસ છે. ક્ષત્રિય સમાજ કે ફોર ધેટ મોટર, કોઇપણ સમાજ એકતરફી જ મતદાન કરે એવું શક્ય નથી. એમના મતો ભાજપ-કોંગ્રેસ (કે ગઠબંધન) વચ્ચે વહેંચાશે એ નક્કી છે. ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે જે રીતે ભાજપ સમર્થિત જૂની પેઢીના પાટીદારો અને નવી પેઢીના પાટીદાર યુવાનોના મત વહેંચાઇ ગયેલા એ જ રીતે સંભવત ક્ષત્રિય સમાજમાં પણ જૂની-નવી પેઢીના મતો વહેંચાઇ શકે.
બેઃ મોદીની મુલાકાત અને મહારાજાની પાઘડી
લાખ રીસામણાં-મનામણાં છતાં ય શાંત થવાનું નામ ન લેતા ક્ષત્રિય આંદોલન વચ્ચે ય બધાને એમ હતું કે, એકવાર નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે એટલે બધું ઠરીઠામ થઇ જશે. નરેન્દ્ર મોદી આવ્યા. ‘પીએમ-બીએમ એ બધું દિલ્હીમાં, અહીંયા તો હું તમારો નરેન્દ્રભાઇ….’ એવું કહીને ગુજરાતના મતદારો સાથે લાગણીનો તંતુ બાંધ્યો. સુરેન્દ્રનગરની સભામાં રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાની હાજરી અપેક્ષિત હતી, પણ રૂપાલાને મોદીની સભાઓથી દૂર રખાયા.
જાહેરસભાઓમાં તો નરેન્દ્રભાઇ સીધી રીતે ક્ષત્રિયો કે આંદોલન વિશે કાંઇ ન બોલ્યા, પણ જામનગરમાં સભા સંબોધતા પહેલાં એ જામનગર રાજવી પરિવારના શત્રુશલ્યજી મહારાજને મળવા ગયા, એમણે જે પાઘડી પહેરાવી એ જ પાઘડી પહેરીને એમણે સભા સંબોધી અને ભૂચર મોરીની કથાને યાદ કરી ક્ષત્રિયોના ત્યાગ-બલિદાનની પ્રશંસા કરી. આ ઓપ્ટીક્સ એ નારાજ થયેલા ક્ષત્રિયોને ભાજપ તરફ વાળવાના પ્રયત્નનો એક ભાગ જ હતો. હવે તો પાઘડીના વળ 4 જૂને છૂટે ત્યારે જ ખબર પડશે.
ત્રણઃ શક્તિસિંહ ગોહિલનો વિડીયો અને બુથ મેનેજમેન્ટ
ચૂંટણી પ્રચાર દરમ્યાન સભાઓમાં-રોડ શોમાં ભીડ ઉમટે, બેફામ વાણી વિલાસ અને એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો થાય, પણ ચૂંટણીનું અંતિમ પરિણામ નક્કી કરવામાં જાહેર પ્રચાર બંધ થાય એ પછીના છેલ્લા 48 કલાક અને બુથ મેનેજમેન્ટ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. રાજકીય પક્ષો-ઉમેદવારો એટલે જ મતદાન પહેલાની રાતને ‘કતલની રાત’ તરીકે ઓળખાવે છે, કેમ કે બધા જ ‘રાજકીય ખેલ’ આ કતલની રાતે જ થતા હોય છે. ભાજપનું બુથ મેનેજમેન્ટ તો પૂરવાર થઇ ચૂકેલું છે, પણ આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક વિડીયો સંદેશ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો—સ્થાનિક નેતાઓને આ બુથ મેનેજમેન્ટ માટે હાકલ કરી છે.
કદાચ નજીકના ઇતિહાસમાં, પહેલીવાર આ રીતે કોંગ્રેસના કોઇ નેતાએ બુથ મેનેજમેન્ટ માટે આ રીતે સંદેશ આપ્યો છે કે, દરેક ઉમેદવાર દરેક બુથ પર એજન્ટની નિમણૂંકમાં કાળજી લે. શક્તિસિંહનો આ મેસેજ ખોટો નથી, કેમ કે કોંગ્રેસની હારમાં કાયમ નબળું બુથ મેનેજમેન્ટ સૌથી મોટું કારણ બનતું આવ્યું છે. એમનો આ વિડીયો સંદેશ કોંગ્રેસ માટે કેટલો કારગત નીવડે છે એ સવાલનો જવાબ તો 4 થી જૂને ઇવીએમ જ આપી શકે.
ચારઃ નેતાઓનો પ્રચાર અને ‘મતપ્રચાર’ના મેળા
વેલ, ચૂંટણીના રાજકારણને અને કવિતાને સીધી રીતે લેવાદેવા નથી, પણ કવિ રમેશ પારેખે લખ્યું છે કે, આ મનપાંચમના મેળામાં સૌ જાત લઇને આવ્યા છે, કોઇ આવ્યા છે સપનું લઇ, કોઇ મિરાંત લઇને આવ્યા છે એમ ચૂંટણી લડતા ઉમેદવારો પણ જીતવાનું સપનું લઇને પ્રચારના મેળામાં મહાલતા જોવા મળ્યા. કોઇ આવ્યા રીક્ષા લઇને તો કોઇ ઘોડા ઉપર બેસીને. કોઇ આવ્યા હોડીમાં તો કોઇ ટ્રેક્ટરમાં બેસીને. કોઇ ગરબે રમતા જોવા મળ્યા તો કોઇ પરંપરાગત નૃત્ય કરતા દેખાયા.
બસ, સૌનું સપનું કે આશા એક જ હતી-મત. હવે કોનું સપનું સાકાર કરવું અને કોનું રોળવું એનો આધાર મતદાતાઓ પર છે. લોકશાહીમાં મતદારને એટલેસ્તો એક દિવસનો રાજા કહેવાય છે!
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)