જો ઝીણાની એ બિમારી ગુપ્ત ન રખાઇ હોત તો….

ઇતિહાસ ક્યારેય ‘જો અને તો’ ના આધારે લખાતો નથી, પણ ક્યારેક ‘જો અને તો’ ના કારણે ઇતિહાસ સર્જાતો જરૂર હોય છે. વિચાર કરો, 7 જૂન, 1893ના દિવસે આફ્રિકાના પિટરમેરીત્સબર્ગ સ્ટેશને જો ગોરાઓએ મોહનદાસ કરમચંદ ગાંધી નામના મુસાફરને ધક્કો મારીને ઊતારી દીધો ન હોત તો દુનિયાને મહાત્મા ગાંધી મળેત?

કદાચ નહીં.

એવી જ રીતે, જો ભારતના છેલ્લા વાઇસરોય લૂઇ માઉન્ટબેટન, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ 1947માં એક અસાધારણ રીતે ગુપ્ત રખાયેલી કચકડાની ફિલ્મનું રહસ્ય જાણી ગયા હોત તો હિન્દુસ્તાનના ભાગલા નિવારી શકાયા હોત?

કદાચ હા.

હા, કચકડાની આ ફિલ્મ એટલે મહમદ અલી ઝીણાની છાતીનો એક્સ-રે. મુંબઇના ડો. જાલ આર. પટેલ નામના ફિઝિશ્યનની તિજોરીમાં આ એક્સ-રે એટલી હદે ગુપ્ત રખાયો હતો કે, ડો. જાલ, ઝીણા અને એમની બહેન ફાતિમા સિવાય કોઇને ય એ વાતની ગંધ નહોતી કે ઝીણાને ટીબી છે અને એ હવે થોડાક વખતના જ મહેમાન છે. ઝીણા સારી રીતે જાણતા હતા કે, જો કોંગ્રેસના નેતાઓને આ વાતની ખબર પડે તો એ એમના મરવાની રાહ જૂએ અને અલગ પાકિસ્તાનની વાત સાથે ક્યારેય સહમત ન થાય એટલે એમણે આ વાતને અત્યંત ગુપ્ત રાખેલી. જો આ વાત ગુપ્ત ન રખાઇ હોત તો કદાચ અખંડ ભારતનો નકશો આજે કદાચ કાંઇક જૂદો જ હોત.

હમણાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ ફ્રીડમ એટ મિડનાઇટ જે પુસ્તક પર આધારિત છે એ લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરના વિશ્વપ્રસિધ્ધ પુસ્તક ફ્રીડમ એટ મિડનાઇટમાં ઝીણાની બિમારીના આ કિસ્સાનું વિગતે વર્ણન છે. (ગુજરાતીમાં અશ્વિની ભટ્ટે આ પુસ્તકનો અદભૂત અનુવાદ કર્યો છે એ જાણ સારું.)

તમે આ સિરીઝ જોઇ જ નાખી હશે. હજુ ન જોઇ હોય અને આ પ્રકારની સિરીઝ જોવામાં રસ હોય તો અચૂક જોઇ નાખજો. જે રીતે અમેરિકન અને ફ્રેન્ચ લેખકની બેલડીએ ઐતિહાસિક દસ્તાવેજો અને મુલાકાતોના આધારે અઢળક સંશોધન કરીને 1947-48નો ભારતના ઇતિહાસના એ સૌથી કરુણ અને સૌથી યાદગાર કાળનું પુસ્તકમાં ચિત્રણ કર્યું છે એ જ રીતે વેબસિરીઝના સર્જક નિખિલ અડવાણીએ પણ આ કાળખંડને પરદા પર અદભૂત રીતે જીવંત કર્યો છે.

આજે એની વાત કરવાનું એક કારણ છે. કારણ એ છે કે, ઇતિહાસને કોઇ પૂર્વગ્રહ વિના કઇ રીતે જોવાય એ એમાંથી શીખવા મળે છે. ઘટનાને એના અર્થઘટનની પરછાઇ વિના યથાતથ કેવી રીતે મૂકી શકાય? એક જ ઉદાહરણ કાફી છેઃ વર્તમાન માહોલમાં નહેરુ અને સરદારને તદ્દન સામસામે બતાવવાની જે હોડ લાગી છે એમાં કોઇ એકનો પક્ષ લીધા વિના આ બન્ને પાત્રને યથાતથ રીતે જોવાનું અઘરું છે. આ હોડમાં આ પુસ્તક અને આ સિરીઝ અપવાદ છે. એમાં નહેરુ અને સરદાર વચ્ચેના મતભેદોને આબાદ રીતે દર્શાવ્યા હોવા છતાં ક્યાંય એમને એકબીજાના દુશ્મન તરીકે ચીતરવામાં આવ્યા નથી. ઇતિહાસપુરુષો પણ છેવટે તો માણસ જ હોય છે, હાડમાંસના બનેલા માણસ. એમને એ રીતે જૂઓ તો જ એમને, એમની મહત્તાને સમજી શકો.

પુસ્તકમાં ભારતના છેલ્લા વાઇસરોય તરીકે લૂઇ માઉન્ટબેટનની વરણી થાય છે ત્યાંથી લઇને ગાંધીના અંતિમ સંસ્કાર સુધી, કઇ રીતે ભારતની સ્વતંત્રતાનો તખ્તો ઘડાયો, એમાં કોણે શું ભાગ ભજવ્યો, ભાગલાની નોબત કેમ આવી એ બધી ઘટનાઓનું વર્ણન છે. ખાસ કરીને ભાગલાની વાત આવે ત્યારે મોટાભાગે એને હિન્દુ-મુસ્લિમ વિભાજન એમ જ જોવાય છે, પણ એમાં ત્રીજો પક્ષ પંજાબના શીખોનો ય હતો એ વાત આ પુસ્તક અને ફિલ્મ યાદ કરાવે છે.

અલબત્ત, પુસ્તકનો કાળખંડ બેએક વર્ષનો જ હોવા છતાં એનો ઘટનાપટલ લાંબો છે એટલે સિરીઝમાં અમુક મહત્વના પ્રસંગો જ એમાં સમાવાયા છે. એમ પણ આ હજુ પહેલી સિઝન જ છે.

સાતમા એપિસોડમાં 1920માં નાગપુરમાં મળેલા કોંગ્રેસ અધિવેશનનો સરસ પ્રસંગ છે. આ જ અધિવેશનમાં ગાંધીનો અંગ્રેજો સામે અસહકારનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો હતો. એક અર્થમાં અહીંથી જ સ્વતંત્રતાની લડતે ગાંધી-માર્ગ અખત્યાર કર્યો હતો. ઠરાવ પસાર કરવા સામે ઝીણા અને કોંગ્રેસના કેટલાક સભ્યો હતા, પણ ઝીણાથી નજીક મનાતા સરોજિની નાયડુએ ય ગાંધીને ટેકો આપ્યો. મોતીલાલ નહેરુએ ગાંધી-માર્ગની સફળતા વિશે આશંકા હોવા છતાં ય ટેકો આપ્યો ત્યારે ગુસ્સે થયેલા ઝીણા એમ કહીને સભાસ્થળ છોડી દે છે કે, આજ તુમ લોગોંને અપના લીડર ઢૂંઢ લીયા હૈ. યે લીડર અબ અપને લોગ ઢૂંઢ લેગા…

બસ, કાળના આ જ ત્રિભેટે ઝીણા અને કોંગ્રેસના રસ્તાઓ ફંટાય છે. ઘવાયેલા અહંકાર સાથે બહાર નીકળેલા ઝીણા ખરેખર પોતાના લોકો શોધી લે છે અને પછી જે કાંઇ બન્યું એ ઇતિહાસ છે. આમ પણ, ઘાયલ ઇગો હંમેશા લોહિયાળ પરિણામ આપે છે.

પરંતુ બે મિનીટ થોભીને વિચારોઃ જો એ સમયે ઝીણાએ કોંગ્રેસ ન છોડી હોત અને ગાંધીનું નેતૃત્વ સ્વીકારી લીધું હોત તો?

આવા તો અનેક પ્રસંગો-હકીકતો પુસ્તકમાં અને સિરીઝમાં છે, પણ જે કહેવાયું છે એ બધું દસ્તાવેજોના આધારે કહેવાયું છે. સત્યની શક્ય એટલું નજીક રહીને કહેવાયું છે. જે પાત્રો જેવા છે એવા જ દેખાડાયા છે અને એટલે જ બ્રિટીશ હકૂમતે ભારત છોડવાનો નિર્ણય કર્યો ત્યારે સત્તાસોંપણીનો તખ્તો કઇ રીતે ઘડાયો, ભાગલા કેમ અનિવાર્ય બન્યા એનો ખ્યાલ એમાંથી મળે છે.

ના, એવું નથી કે આ પુસ્તક ટીકાથી પર હતું. અમુક સમીક્ષકોએ એને પૂર્વગ્રહપ્રેરિત, માઉન્ટબેટન પ્રત્યે વધારે કૂણું વલણ રાખીને એમનો જ દ્રષ્ટિકોણ દર્શાવનારું ગણાવેલું. નથુરામ ગોડસેના ભાઇ ગોપાલ ગોડસેએ તો એમાં સાવરકર અને નથુરામના જે સંબંધો દર્શાવાયા છે એને પાયાવિહોણા ગણીને પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની ય માગણી કરી હતી.

એમ છતાં ભારતના ઇતિહાસના આ સૌથી મહત્વના કાળખંડમાં શું બન્યું હતું એ સમજવામાં આ પુસ્તક ચોક્કસ મદદ કરે છે. જેમણે, ખાસ કરીને નવી પેઢીએ, આ પુસ્તક ન વાંચ્યુ હોય એને આ સિરીઝ થોડીક મદદ કરશે. પુસ્તક વાંચ્યા પછી સિરીઝ જોવાય એ સૌથી ઉત્તમ.

અને છેલ્લે એક ખાસ મહત્વની વાતઃ ઇતિહાસનું ચિત્રણ કરતાં પુસ્તકો કે ફિલ્મો, વેબસિરીઝ એ બધું છેવટે તો લેખક કે સર્જકનું અર્થઘટન હોય છે એ વાત વાંચતી-જોતી વખતે યાદ રાખવી. ઐતિહાસિક પાત્રો કે ઘટનાઓને યથાતથ આલેખવી કે પરદા પર દર્શાવવી એ ખૂબ અઘરું છે. રિચાર્ડ એટનબરો જેવો કોઇક જ વીરલો એવો હોય કે જે ગાંધીને એ જેવા હતા એવા પરદા પર જીવંત કરી શકે!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)