અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિર્સચ સેન્ટરના નિયામક અને Gujarat Sottoના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ક્લિનિકલ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ TTS રેકગ્નિશન એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ડૉ. પ્રાંજલ મોદીના અથાગ પ્રયત્નો અને અગ્રણી કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. TTS એટલે કે The Transplantaion Society 1966થી કાર્યરત નોન ગર્વમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે. દુનિયાભરમાં ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ડોક્ટર્સને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતમાંથી ડૉ. પ્રાંજલ મોદીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.ડૉ. પ્રાંજલ મોદીનો જન્મ 15મી માર્ચ, 1968ના રોજ થયો છે. તેમણે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી M.B.B.S. અને સ્પેશિલ સ્ટડી ઈન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પહોંચ્યા. અહીં તેમણે યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ તેઓ IKDRCમાં જ ફેકલ્ટી તરીકે જોડાયા. ડૉ. પ્રાજંલ મોદી રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ ડોનર નેફ્રેક્ટોમી પદ્ધતિના પાયોનિયરમાંના એક છે. તેમણે ભારત, યુકે, જર્મની અને ઑસ્ટ્રેલિયાના વિવિધ કેન્દ્રો પર આ પ્રોગ્રામની સ્થાપના કરવામાં મદદ કરી.
(રાધિકા રાઓલ – અમદાવાદ)