દિલ્હીમાં ડો. મનમોહન સિંહના સ્મારકને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ PM મનમોહન સિંહનું 26 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ ગૃહ મંત્રાલયેએલાન કર્યું હતું કે ડો. મનમોહન સિંહના સ્મારક માટે સ્થાન ફાળવવામાં આવશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારથી ડો. મનમોહન સિંહના સ્મારક માટે સ્થાન ફાળવવા માટે વિનંતી કરી હતી.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેબિનેટની બેઠક બાદ ગૃહપ્રધાને કોંગ્રેસઅધ્યક્ષને જણાવ્યું હતું કે એના માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. જોકે એ પહેલાં સ્મારકને લઈને રાજકારણ શરૂ થયું હતું છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે સ્મારક બનાવવા જમીન ફાળવવાની માગ કરી હતી. જોકે હવે કેન્દ્ર સરકાર ભૂતપૂર્વ PM મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા માટે સંમત થઈ ગઈ છે. એટલે કે સરકારે કોંગ્રેસની માંગણીનો સ્વીકાર કર્યો છે.

ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે PM મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA સરકાર દેશના આર્થિક વિકાસ માટે મુખ્ય પાયો નાખનાર મનમોહન સિંહને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જેને ધ્યાનમાં રાખીને ગઈકાલે કેબિનેટ બેઠકમાં નિર્ણય લીધો હતો કે મનમોહન સિંહની યાદમાં એક સ્મારક બનાવવામાં આવશે અને આ અંગેની જાણ કોંગ્રેસ પાર્ટીને પણ કરવામાં આવી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને એ વાતની જાણ કરી હતી કે સરકારે સ્મારક બનાવવાનું નક્કી કર્યું છે અને જમીન સંપાદન, ટ્રસ્ટની રચના અને જમીન ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં થોડો સમય લાગશે, પણ કાર્ય યોગ્ય રીતે અને શક્ય તેટલું જલ્દી કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું છે કે તે ડો. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવા માગે છે જ્યાં સ્મારક બનાવવામાં આવવાનું છે. જોકે તેમના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર સાર્વજનિક સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.