પ્રકાશના પર્વની સાચી ઉજવણી

અમેરિકામાં ઇસ્ટ કોસ્ટનો નવેમ્બર મહિનાની શરૂવાત થાય ત્યાંથી જ માન્યાના મનમાં હતાશાનો જન્મ થઇ જાય. પહેલા તો બાળકો હતા તો ઘરમાં વસ્તી રહેતી, નવેમ્બરમાં થેક્સ ગીવીંગ અને ડીસેમ્બરમાં ક્રિસમસની ઉજવણીમાં દેશની દિવાળી બહુ યાદ નહોતી આવતી.

પરંતુ બાળકો મોટાં થતાં પોતપોતાના માર્ગે આગળ નીકળી ગયા. સમય મળે ફોન અને ક્યારેક આવવા જવા સિવાય રોજીંદી ખાસ ચહલપહલ નહોતી રહી. દિવ્યેશ કામમાં વ્યસ્ત રહેતો પરંતુ માન્યા ભારતના દરેક તહેવારો યાદ કરી જીવ બાળતી. તેમાય દિવાળી આવતા એ જુના દિવસો યાદ કરી હતાશાને ગળે વળગાળી સુનમુન થઇ જતી.

“દિવ્યેશ દિવાળીમાં ગામમાં ખુબ મઝા આવતી, અમે અઠવાડીયા પહેલાથી બધા કુટુંબીજનો સાથે જમતા. ચાર ઘરના રસોડાં એક જગ્યાએ. આહ ! રોજ નવી વાનગીઓ અને મઠીયા, ઘૂઘરા મગસ વગેરે નાસ્તા મળતા. અહીં તો કશુ જ દિવાળી જેવું નથી લાગતું.”

“સાચી વાત છે માન્યા દેશ એ દેશ. પરંતુ પરદેશમાં અહીંની મઝા અપનાવી ખુશ રહેવાનું અહીં પણ જોને બધાજ તહેવાર અહીંની રીતે ઉજવાય છે. આપણે પણ ગુજરાતી સમાજની દરેક ઉજવણીમાં જઈને કેટલો આનંદ કરીએ છીએ. કેમ ભૂલી જાય છે.” માન્યાને સમજાવતા દિવ્યેશ કહેતો.

હા અહીં બધું સમયસર નથી હોતું ને! અહીં તો વીકેન્ડમાં તહેવારો ઉજવાય છે, બાકી રોજ તો એકલાજ ને! ચાલોને આ વખતે દેશમાં જઈ દિવાળીની મઝા માણીએ, બીજા કોઈ નહીતો પોળમાં તમારા કાકાના દીકરાઓ છે. મોટી બહેન પણ અમદાવાદમાં છે બધા સાથે આનંદ આવશે.

છેવટે માન્યાની લાગણીને માન આપી બંને ભારતમાં અમદાવાદ સીધા બહેનના ઘરે આવી પહોચ્યા. તેમના અચાનક આવી જવાથી મોટીબહેનને ખુશી સાથે સંકોચ થયો. દિવ્યેશ આ વાત સમજી ગયો.

“બહેન અમારા અચાનક આવવાથી તમને કઈ તકલીફ નથી ને?”

“નાં ભાઈ એવું તો કઈ નથી પરંતુ વર્ષોથી અમે દિવાળી ઘરે નથી ઉજવતા, આ દિવસોમાં સહપરિવાર વેકેશન માણીએ છીએ.’ બહેને સંકોચ સાથે જણાવ્યું.

“કઈ નહિ મોટી બહેન અમે પોળના મકાનમાં કુટુંબીજનો સાથે દિવાળી મનાવીશું. આમ પણ મારી ઈચ્છા પોળમાં ઉજવવાની હતી.” માન્યાએ વચલો માર્ગ અપનાવ્યો.

વાઘ બારસના દિવસે બંધ પડેલા ઘરને સાફ કરાવી બંને જુના ઘરમાં આવી ગયા. એ દિવસ બાજુમાં રહેતા કુટુંબીજનોની ચલપહલ બધુ જ સારું લાગ્યું.

દિવાળીના દિવસે બંને તૈયાર થઇ કાકાના ઘરે બધાને મળવા અને સાંજે પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપવા આવી પહોચ્યા. ઘરમાં તહેવારના દિવસોમાં શાંતિ જોઈ તેમને આશ્ચર્ય થયું.

“કાકા કેમ કોઈ જણાતું નથી. બાળકો અને ભાઈ ભાભી ક્યા ગયા? ” કાકાના ઘરે જતા દીવ્યેશે પૂછ્યું.

“અરે ભાઈ બધા દિવાળીમાં એક અઠવાડિયું વેકેશન માણવા નીકળી જાય છે. આજે નીકળ્યા હવે છેક ભાઈબીજ પછી આવશે. હવે અહીં પોળમાં અમારા જેવા ચાર છ સિવાય કોઈ રહેતું નથી. ક્યા પહેલાના જેવી દિવાળી રહી હવે.” કાકાએ બળાપો ઠાલવ્યો.

માન્યા તો કાપો તો લોહીના નીકળે તેવી થઈ ગઈ. આના કરતા પરદેશની દિવાળી સારી. ભલેને વીકેન્ડમાં પણ બધા ભેગા મળીને સમય પહેલા કે પછી તહેવારો તો ઉજવે છે. આમ વેકેશનના સદુપયોગને બહાને બાળકોથી સંસ્કૃતિ અને તેની સાચી મજા નથી છીનવી લેતા.

માન્યા આમ મન ટૂંકું ના કર, આપણે બધા પોળમાં રહેતા અને વૃદ્ધાશ્રમના વડીલોને પણ દિવાળીની મજા કરાવીશું. આ દિવસ એ માત્ર દીપકનું પ્રાગટ્ય માત્ર અંધારામાંથી અજવાળા તરફ જવાનું નથી, આ દિવસ ખુશીની વહેચણી તરફનું અસત્યથી સત્ય તરફ લઇ જવાનું પણ પ્રતિક છે.

– રેખા પટેલ (વિનોદિની)