અનાજની ઊપજમાં ટોચે છતાં આ રાજ્યોના ખેડૂતો દેવાંના કળણમાં

નવી દિલ્હીઃ દેશનાં સૌથી મોટા કૃષિ ઉત્પાદક રાજ્યો હરિયાણા અને પંજાબ છે. આ રાજ્યોમાં દેશમાં અનાજની જરૂર પૂરી કરવા માટે મોટું યોગદાન છે, તેમ છતાં ખેડૂતો દેવાંના બોજ હેઠળ દબાયેલાં છે. તેમની સ્થિતિ ઘણી ખરાબ છે. આ રાજ્યોમાં  ખેતીથી દેશને મોટી માત્રામાં અનાજ મળે છે, તેમ છતાં અહીંના ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.  

નાબાર્ડ (નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામીણ પરિવારોની સરેરાશ માસિક આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પંજાબના આશરે 80 ટકા ખેડૂતો કોઈ ને કોઈ રીતે દેવાંમાં ડૂબેલા છે. વર્ષ 2020માં પંજાબમાં ખેડૂતો પર રૂ. 1.5 લાખ કરોડથી વધુનાં કૃષિ દેવું હતું. જ્યારે હરિયાણાના આશરે 70-75 ટકા ખેડૂતો દેવાંના બોજ હેઠળ છે.

નાબાર્ડના હિસાબે ગ્રામીણ પરિવારની સરેરાશ માસિક આવક વર્ષ 2016-17માં 8059 રૂપિયા હતી, તે 2021-22માં વધીને 12,698 રૂપિયા થઈ ગઈ છે. આ આંકડા મુજબ આવકમાં 57.6 ટકાનો વધારો થયો છે. પરંતુ, આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે આ પરિવારોના ખર્ચમાં આ જ પાંચ વર્ષના ગાળામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ પરિવારોનો સરેરાશ માસિક ખર્ચ રૂ. 6646 થી વધીને રૂ. 11,262 થયો છે, એટલે કે 69.4 ટકાનો વધારો થયો છે. મતલબ કે આ વર્ષોમાં આવક કરતાં ખર્ચમાં વધારો થયો છે.