આજની આર્થિક પરિસ્થિતિમાં… બચત-રોકાણ ક્યાં ને કઈ રીતે કરવાં?

ચિત્રલેખા – આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા મોરબી-જામનગરમાં
યોજાયા માર્ગદર્શક સેમિનાર.

પ્રશ્ર્ન: મારી પૌત્રી છ મહિનાની છે. એના ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા માટે રોકાણનો કયો વિકલ્પ પસંદ કરી શકાય?

ઉત્તર: તમે જે ઉંમરની વાત કરો છો એ જોતાં ઈક્વિટીમાં રોકાણ કરો તો સારું વળતર મળે, કારણ કે તમારી પાસે સમય ઘણો બધો છે.

  • વસિયતનામું રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે?

આવો કોઈ નિયમ કે કાયદો નથી, પણ જો એની નોંધણી કરાવી શકાય તો સારું. જેનું વીલ હોય એના વારસદાર વચ્ચે પ્રશ્ર્નો સર્જાવાની શક્યતા ઓછી રહે.

  • ૩૫ વર્ષની વયે રોકાણ શરૂ કર્યા પછી હોમ-લોન ભરપાઈ કરવા તરફ ધ્યાન આપવું કે રોકાણ વધારવું?

લોન એટલે બને ત્યાં સુધી ન-લો! છતાં લેવી પડે કે લીધી હોય તો લોન શક્ય એટલી વહેલી ભરપાઈ કરી દેવી. લોનના હપ્તા પણ ચાલુ હોય અને રોકાણ પણ કરીએ એ યોગ્ય નથી.

રોકાણ, શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફંડના આવા અનેક પ્રશ્ર્ન સતત પુછાતા રહ્યા અને ગુજરાતના જાણીતા આર્થિક તજ્જ્ઞો એના જવાબ સંતોષકારક રીતે આપતા રહ્યા. પ્રશ્ર્નોત્તરી તો જો કે છેલ્લો તબક્કો. એ પહેલાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ, મંદીની શક્યતા, શૅરબજારના ઉતાર-ચડાવ સહિતની બાબત અને એમાં સંપત્તિસર્જન કેવી રીતે કરવું? મૂડીરોકાણ ક્યાં કરવું? વ્યક્તિએ પોતાની જવાબદારી અને સપનાં પૂર્ણ કરવા માટે કેવાં પગલાં ભરવાં એનું માર્ગદર્શન શ્રોતા-રોકાણકારોને મળ્યું…

આટલું લખ્યા પછી ‘ચિત્રલેખા’ના વાચકને એ કહેવાની જરૂર ન રહે કે આ વાત ‘આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ’ અને ‘ચિત્રલેખા’ આયોજિત સેમિનારની છે.

(ડાબેથી જમણે) ગૌરવ મશરૂવાળા, મિકી દેસાઈ, અમિત ત્રિવેદી

દેશની આર્થિક-સામાજિક સ્થિતિ વિવિધ અહેવાલ દ્વારા દર સપ્તાહે વાચક સમુદાય સુધી પહોંચાડતું ‘ચિત્રલેખા’ અવારનવાર આવા સેમિનાર યોજીને રોકાણ માટે પણ માહિતી-માર્ગદર્શન પૂરાં પાડે છે. ૨૧ સપ્ટેમ્બરે સાંજે જામનગરની પ્રખ્યાત કલાતીત હોટેલમાં અને ૨૨ સપ્ટેમ્બરની સવારે મોરબીની ઝાયકા રેસ્ટોરાંના હૉલમાં આ સેમિનાર યોજાયા હતા.

આર્થિક રોકાણના નિષ્ણાત ગૌરવ મશરૂવાળાએ શ્રોતાઓની મહત્તમ જિજ્ઞાસા સંતોષે એવા વક્તવ્યમાં કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ, સેન્સેક્સના ઉતાર-ચડાવ, કેન્દ્ર કે રાજ્યનું બજેટ આ કંઈ આપણા હાથમાં નથી. આપણે આપણું આર્થિક આયોજન કરવાનું હોય.

એમણે શ્રોતાઓને વેધક પ્રશ્ર્નો પૂછ્યા:

‘જીડીપી’ ઘટે તો દીકરાનાં લગ્ન પાછાં ઠેલો છો? સેન્સેક્સ વધે તો દીકરીને વહેલા પરણાવો છો? ‘જીએસટી’ વધે તો વૅકેશનનો પ્રવાસ કૅન્સલ કરો છો?

અલબત્ત, નથી જ કરતા એટલે વ્યક્તિએ પોતાની આવકના સ્રોત અને ખર્ચનું આયોજન કરી આર્થિક રોકાણ વિશે વિચાર કરવો જોઈએ.

એમણે કેટલાક શબ્દના નવા સંદર્ભ પણ આપ્યા કે જીડીપી એટલે મારો ગોલ, ડ્રીમ અને પ્લાન-ધ્યેય, સપનાં અને આયોજન. સેન્સેક્સ એટલે મારા સેન્સિબલ એક્સપેન્સ અર્થાત્ વિચારપૂર્વક થતા ખર્ચા. શક્ય હોય ત્યાં સુધી લોન ન લેવાય, પણ ઘરનું ઘર લેવા માટે લેવી પડે તો લેવી પણ પડે. લોન લઈને ઘર લેવાય, પરદેશ ફરવા ન જવાય. સુદૃઢ આયોજનથી જ સંપત્તિસર્જન થઈ શકે. ક્યાંય પણ નાણાં રોકો એને ઘરના સભ્યનું નામ આપી દો… દીકરાના ભણતરનું રોકાણ, દીકરીનાં લગ્ન માટેનું ઈન્વેસ્ટમેન્ટ અને પછી બાહ્ય પરિબળોની વધાર પડતી ચિંતા કર્યા વગર આપણી પોતાની જ‚રતને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકાય.

આદિત્ય બિરલાના રિજનલ હેડ મિકી દેસાઈએ મ્યુચ્યુઅલ ફંડના ફાયદા વિશે વિગતે વાત કરી હતી. પોસ્ટ ઑફિસ કે ફિક્સ ડિપોઝિટમાં નાણાં રોકવાની લોકોની માનસિકતા છે, પરંતુ ફુગાવાના વધતા દરને ધ્યાને રાખીને રોકાણના અન્ય વિકલ્પ વિચારવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઓછા જોખમવાળી નિયમિત આવક આપી શકે એવી સ્કીમ છે. એક દિવસથી લઈને દસ વર્ષથી વધુ સુધીના ગાળા માટે નાણાં રોકી શકાય છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન-એસઆઈપીથી લઈને કરન્ટ એકાઉન્ટ જેવા અનેક પ્લાન છે.

વિજેતા પ્રશ્નકર્તાઓને ઈનામ

જેમણે આ બન્ને સેમિનારમાં પ્રશ્ન પૂછ્યા હતા એમાંથી પાંચ-પાંચ વ્યક્તિને નિરાલી કિચનવેર પ્રોડક્ટના સૌજન્યથી ઈનામ આપવામાં આવ્યાં હતાં. ‘ચિત્રલેખા’ના ઍડ સેલ્સ હેડ વેઈન ડી’સોઝા, ગુજરાતના જનરલ મૅનેજર સુભાષ લાખાણી, ઉત્પલ દોશી અને વક્તાઓને હસ્તે વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યાં હતાં.

બચત-રોકાણની ગંભીર ચર્ચા પછી જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન સ્મિત પંડ્યાએ લાક્ષણિક શૈલીથી દર્શકોને ખડખડાટ હસાવ્યા.

મિકી દેસાઈએ ઉમેર્યું કે આપણે સવારે બ્રશ કરીએ ત્યારથી લઈને રાતે ટીવી જોઈએ ત્યાં સુધી અનેક કંપનીના ગ્રાહક છીએ. યોગ્ય માર્ગદર્શન દ્વારા આપણે આ કંપનીમાં રોકાણ કરીને એના ભાગીદાર બની શકીએ!

છેલ્લા ઘણા દાયકાની વાત કરીએ તો બહુ ઓછાં વર્ષ એવાં ગયાં છે, જેમાં મ્યુચ્યુઅલ ફંડનું વળતર ઓછું મળ્યું હોય. રોકાણ કરીને થોડો સમય ધીરજ રાખવા પર અને આવક ક્યાંય રોક્યા વગર એમ ને એમ રાખી ન મૂકવા પર એમણે ભાર મૂક્યો હતો.

(અહેવાલઃ જ્વલંત છાયા)