‘ચિત્રલેખા’ માટે આનંદનો પ્રસંગ: કવર ડિઝાઈન માટે ‘ચિત્રલેખા’ ગ્રુપે જીત્યા બે પબ્લિશર ABBY એવોર્ડ; એક સુવર્ણ, એક રજત

ગોવા/મુંબઈ – મિડિયા અને એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર એવોર્ડ્સ ગણાતા ‘પબ્લિશર ABBY’ માટેના ગોવાફેસ્ટ-2017 એવોર્ડ્સ સમારંભમાં ‘ચિત્રલેખા’ ગ્રુપે બે એવોર્ડ જીત્યા છે. આમાં, એક સુવર્ણ અને એક રજત એવોર્ડનો સમાવેશ થાય છે.

6 એપ્રિલે ગોવામાં આયોજિત ‘ગોવાફેસ્ટ’માં ‘ચિત્રલેખા’ને ગોલ્ડ એવોર્ડ ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરી માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ‘ચિત્રલેખા’ને પાંચ ડિસેંબર, 2016ના અંકના ‘શ્વાસ રુંધી નાખતું મરણતોલ પ્રદૂષણ’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’ને ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરીનો સિલ્વર એવોર્ડ 18 જુલાઈ, 2016ના અંકમાં ‘કુછ તો ગરબડ હૈ!’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’ ગ્રુપ સતત ચાર વર્ષથી ગોવાફેસ્ટમાં એવોર્ડ જીતતું આવ્યું છે. તેણે જીતેલી ટ્રોફીઓનો આંક વધીને 9 થયો છે.

‘ચિત્રલેખા’ ગ્રુપે 2014માં 3 ટ્રોફી જીતી હતી તો 2015માં બે અને 2016માં પણ બે ટ્રોફી જીતી હતી.

જાગરણ પ્રકાશને સૌથી વધુ એવોર્ડ – બે સુવર્ણ, પાંચ રજત અને બે કાંસ્ય એવોર્ડ જીત્યા છે. તેણે સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી માટે એવોર્ડ જીત્યા છે, તો દૈનિક ભાસ્કર ગ્રુપે પણ બેસ્ટ માર્કેટિંગ ઓફ અ પ્રિન્ટેડ ન્યૂઝપેપર/એડિશન કેટેગરીમાં અને બેસ્ટ યૂઝ ઓફ મોબાઈલ/ડિજિટલ કેટેગરી અંતર્ગત બે સુવર્ણ ટ્રોફી જીતી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ મિડિયાએ બેસ્ટ માર્કેટિંગ કેટેગરીમાં કાંસ્ય એવોર્ડ જીત્યો છે તો માતૃભૂમિએ એક સુવર્ણ અને બે રજત એવોર્ડ જીત્યા છે. મલયાલા મનોરમાએ સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી અંતર્ગત એક કાંસ્ય એવોર્ડ જીત્યો છે.

એડવર્ટાઈઝિંગ ક્લબના ABBY એવોર્ડ્સ ભારતીય એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર ગણાય છે. જાહેરખબર અને માર્કેટિંગના ક્ષેત્રોમાં રચનાત્મક શૈલી માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

‘ગોવાફેસ્ટ-2017’ જાહેરખબર, મિડિયા અને માર્કેટિંગ કન્વેન્શન ક્ષેત્રમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ સમારંભ ગણાય છે.