‘માટી મૂર્તિ મેળો-2026’ને અભૂતપૂર્વ પ્રતિસાદ : 5 કરોડનું રેકોર્ડ બ્રેક વેચાણ

અમદાવાદ : રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન’ (GMATI) દ્વારા આયોજિત ‘માટી મૂર્તિ મેળો – 2026’ને ભવ્ય સફળતા મળી છે. 8 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય શહેરોમાં આયોજિત આ મેળામાં માટી મૂર્તિકારો દ્વારા 23 હજારથી પણ વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરીને અંદાજે રૂ. 5 કરોડનો વેપાર થયો છે.

પર્યાવરણની જાળવણી અને સ્થાનિક કારીગરોને રોજગારી પૂરી પાડવાના હેતુથી સંસ્થાન દ્વારા 361 માટી મૂર્તિકારોને 186 ટન ‘રેડી-ટુ-યુઝ’ માટીનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કારીગરો પોતાની કળાનું પ્રદર્શન અને વેચાણ સરળતાથી કરી શકે તે માટે 100 ટકા સબસિડી સાથે વિનામૂલ્યે સ્ટોલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના સક્રિય નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. પર્યાવરણપૂરક ગણેશોત્સવ ઉજવવાની નાગરિકોની આ જાગૃતિથી સ્થાનિક કારીગરોના જીવનમાં આર્થિક સમૃદ્ધિનો નવો સૂર્યોદય થયો છે.