મુંબઈમાં દિલચસ્પ રહ્યો ‘બિરલા સન લાઈફ-ચિત્રલેખા મ્યુચ્યુઅલ ફંડ’ વિશેનો માર્ગદર્શક પરિસંવાદ…

‘બિરલા સન લાઈફ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં ગત્ 19 માર્ચે ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં નોટબંધી પછી એક તરફ આર્થિક તંત્ર કેશલેસ બનાવવાના યત્ન-પ્રયત્ન થઈ રહ્યા છે તો બીજી તરફ, અમેરિકાના નવા પ્રેસિડન્ટના આગમન પછી એમના દ્વારા ત્યાંની ઉદારીકરણ નીતિ-રીતિ બદલવાના પ્રયત્ન શરૂ થયા છે… આ બંનેને કારણે દેશના આર્થિક ક્ષેત્રે જબરાં પરિવર્તન આવશે ત્યારે તમારાં નાણાંનું મૂડીરોકાણ તથા બચત કરવા શું શું કરવું એ વિશે આર્થિક જગતના નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટરો/શ્રોતાઓને એમની અનેક મુંઝવણોનું સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી તથા જાણીતા પત્રકાર જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા.