અમદાવાદ: શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમસ્ત મહાજન તથા સમગ્ર ગુજરાતની જીવદયા/ગૌસેવા સંસ્થાઓ તરફથી અભિવાદન કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી 20 ઓક્ટોમ્બર, 2024ના રોજ બપોરે 3 કલાકથી શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે યોજાશે. જેમાં મુખ્યમંત્રી સમગ્ર રાજ્યના જીવદયા તેમજ ગૌસેવા સંસ્થાઓને માર્ગદર્શન આપશે. તેમજ ઓગણ વિડમાં નૂતન શેડનું ઓનલાઈન ખાતમુહૂર્ત, ગૌપૂજન, તેમજ સમસ્ત મહાજન દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા તળાવોનું લોકાર્પણ તથા તકતી અનાવરણ કરશે. ‘એક વૃક્ષ મા કે નામ’ સૂત્ર અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અને એનીમલ હેલ્પલાઇન, રાજકોટની એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ સહિતના કાર્યો યોજાશે.
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ, “વિરમગામ પાંજરાપોળ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગૌમાતા પોષણ યોજના તેમજ અન્ય જીવદયાનાં નિર્ણયો લેવા બદલ વિરમગામ પાંજરાપોળ તરફથી અભિવાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે સમગ્ર ગુજરાતની જીવદયા-ગૌસેવા સંસ્થાઓ દ્વારા ગૌશાળા-પાંજરાપોળોને પશુ દીઠ, દૈનિક, કાયમી મળતી સબસીડી રૂ. 30 નાં બદલે રૂ. 100 કરવામાં આવે તેમજ મહારાષ્ટ્ર રાજ્યની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર, ગૌચર જમીનનો ઉપયોગ પશુપાલન માટે જ થાય તે અંગેની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત, પાંજરાપોળ અને ગૌશાળાઓને જરુરિયાત મુજબ માળખાકીય સુવિધા માટે 300 કરોડનું ફંડ ફાળવવું, તેમજ સહાય સમયસર ચૂકવી શકાય તે માટે વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટેની રજૂઆત કરવામાં આવશે. ગુજરાતની તમામ જમીનમાંથી ગાંડા બાવળને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે. ‘સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ’ લોકો અને સરકાર વચ્ચે સંકલનનું એક મોટું માધ્યમ છે, તેને વધુ કાર્યાન્વિત કરવા અંગે તેમજ તેનું બજેટ વધારવા માટેની રજૂઆત પણ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવશે. ‘ગૌ સેવા આયોગ’ને વધુ કાર્યાન્વિત કરવા માટે તેમજ તેનું બજેટ વધારવા અંગેની રજૂઆત પણ કરવામાં આવશે.”
વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા કે જે 497 હેકટર જગ્યામાં પથરાયેલી છે. ત્યાં અત્યારે 2,000 પશુઓનો ખૂબ સુંદર રીતે નિભાવ થઈ રહયો છે.