CEPTના પૂર્વ વિદ્યાર્થીઓની ગ્લોબલ એલ્યુમની મીટ 2025નું આયોજન

અમદાવાદ: CEPT યુનિવર્સિટીમાં 6 જાન્યુઆરીના રોજ ગ્લોબલ એલ્યુમની મીટ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વના કુલ 25 શહેરોમાંથી 500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 15 ભારતના અને 10 આંતરરાષ્ટ્રીય સ્થળો – લંડન, લેસ્ટર, ન્યૂયોર્ક, એટલાન્ટા, સિડની અને ટોરોન્ટોથી આવ્યા હતા.ભારતમાં પુણે, મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી, કોલકાતા, સુરત, હૈદરાબાદ, કોચી અને વડોદરા સહિતના સ્થળોથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ એક સાથે યોજાઈ હતી. અમદાવાદ સ્થિત કેમ્પસમાં સાથી સ્નાતકો, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ સાથે જોડાવા માટે 150થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના અલ્મા મેટર પર પાછા ફર્યા. આ એક વાર્ષિક ઇવેન્ટ છે. જે દર વર્ષના પ્રથમ શનિવારે ઉજવવામાં આવે છે. જેમાં તમામ ફેકલ્ટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સમુદાય સાથે પુનઃજોડાણ કરવા માટેનું એક નેટવર્ક મળે છે. સંસ્થા તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.આ કાર્યક્રમમાં UKના સુરેશ પટેલ (બેંચ-1965) કે જેઓ CEPTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે તેઓ ખાસ હાજર રહ્યા. આ સિવાય USAના કિરીટ દેસાઈ(બેંચ-1963), ભારતના નિસર્ગ શાહ (બેંચ-1906 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના મહેશ દેસાઈ (બેંચ-1969 (અન્ડર ગ્રેજ્યુએટ)), ભારતના પૂનમ સોલંકી (બેંચ-1909(અન્ડર ગ્રેજ્યુએટ), ભારતના સુનિતા ધોટે (બેંચ-2016), ગુરપ્રીત સિંઘ (બેંચ-1973) અને વિશ્વભરના અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ મીટનો ઉદ્દેશ્ય અનુભવો અને સ્મૃતિઓના આદાન-પ્રદાનને સરળ બનાવવા માટેનો હતો. યુવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને જેઓ એક સમયે સુંદર CEPT કેમ્પસને પોતાનું ઘર કહેતા હતા તેમની વચ્ચે સૌહાર્દની નવી ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.ગ્લોબલ એલ્યુમની મીટ 2025 એ વિશ્વભરમાં CEPT યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મજબૂત અને વાઇબ્રન્ટ નેટવર્કનું નિદર્શન કર્યું. આ મેળાવડાઓ જીવનભરના જોડાણોને ઉત્તેજન આપવા, અનુભવોની વહેંચણી અને યુનિવર્સિટીના સતત વિકાસ અને સફળતાને સમર્થન આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.