મણિપુર: ભારતના આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ફરી એકવાર હિંસાની આગ સળગી રહી છે. કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યમાં સુરક્ષા-કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 5,000થી વધુ કર્મચારીઓ સાથે 50 CAPF કંપનીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી 35 યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બાકીના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના હશે. સી.આર.પી.એફ.ના મહાનિર્દેશક એ.ડી. સિંહ અને અન્ય વરિષ્ઠ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અધિકારીઓ પણ રાજ્યમાં હાજર છે.આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે સોમવારે સાંજે 6 વાગ્યે એન.ડી.એ.ના મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અધિકારીઓએ કહ્યું કે આ બેઠક એટલા માટે બોલાવવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી શકાય. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે NPPના સાત ધારાસભ્યોએ ભાજપની આગેવાની હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. એન.પી.પી.એ દાવો કર્યો હતો કે રાજ્યની બિરેનસિંહ સરકાર પૂર્વોત્તર રાજ્યમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.