Cooking Tips

હેલ્ધી એગલેસ ઑટ્સ કેક

0

સામગ્રીઃ 1 વાટકી ઑટ્સ શેકીને ક્રશ કરેલા, 1 વાટકી ઘઉંનો લોટ, અડધો કપ દળેલી ખાંડ, 1 કપ દહીં, 3 ચમચા તેલ, અડધો કપ ચોકો ચિપ્સ, 1 ચમચી વેનિલા એસેન્સ, ચપટી ખાવાનું મીઠું, 1 ચમચી બેકિંગ પાવડર, ½ ચમચી બેકિંગ સૉડા.

રીતઃ ઉપર આપેલી સામગ્રીમાંથી સૂકી સામગ્રી એક સાથે ચાળણીમાં ચાળીને મિક્સ કરી લો. ત્યારબાદ બધી લિક્વિડ સામગ્રી મિક્સ કરીને બ્લેન્ડરથી મિક્સ કરો. અને તુરંત 160 ડિગ્રી પ્રી-હીટેડ ઓવનમાં, માખણ ચોપડી ઉપર થોડો લોટ છાંટી તૈયાર કરેલા કેકના વાસણમાં મિશ્રણ રેડી દો. (ખીરૂં બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ ન હોવું જોઈએ.) 25-30 મિનિટ બાદ કેકમાં એક ટૂથપિક નાખી ને કાઢો એ ચોખ્ખી નીકળે એટલે કેક તૈયાર છે.

ઓવનના બદલે કૂકરમાં પણ કેક બનાવી શકાય છે. ઢાંકણ વગરના કૂકરમાં એક વાટકી ખાવાનું મીઠું નાખી ઉપર કાઠો અથવા તપેલી મૂકવાનું સ્ટેન્ડ મૂકી ઉપર કેકનું માખણ ચોપડીને તૈયાર કરેલું વાસણ મૂકી ઘીમી આંચે કૂકર ગરમ થાય એટલે કેકનું મિશ્રણ રેડી દો અને ઉપર થાળી અથવા કોઈ ઢાંકણ ઢાંકી દો. ઘીમી આંચે કેક થવા દો. 40-50 મિનિટમાં કેક તૈયાર થઈ જશે.

મિસળ-પાંઉ

0

મિસળને ટેસ્ટી બનાવવા…

મિસળ (ફણગાવેલાં કઠોળ) માટે કાંદા-લસણ, કોપરા તેમજ ટમેટાં સાંતળીને ગ્રેવી તૈયાર કરી લો. ત્યારબાદ એમાં થોડાં કાંદાના ભજીયા બનાવી ક્રશ કરીને મિક્સ કરો અને થોડીવાર માટે ગેસ પર ઘીમી આંચે મૂકો. મિસળનો ટેસ્ટ વધી જશે.

 

સૉફ્ટ પનીર કેવી રીતે બનાવશો?

0

પનીર બનાવવા માટે સારી ગુણવત્તા વાળું દૂધ લો.

દૂધ ગરમ કરો અને ઊભરો આવે એટલે એમાં 2 ચમચી લીંબુનો રસ અથવા વિનેગર નાંખો અથવા દહીં પણ નાખી શકો. મલાઈ એમજ રહેવા દો એના કારણે પનીર સૉફ્ટ બનશે.

દૂધમાં દહીં જેવા ગાંગડા બનવા માંડે અને પાણી છૂટ્ટું થવા માંડે એટલે એક કૉટનના કાપડમાં પનીરના ગઠ્ઠા મૂકી પાણી નિતારી લો અને એને પોટલીમાં બાંધીને એક ડિશમાં મૂકી ઉપર કોઈ વજનવાળી વસ્તુ રાખી દો.

અડધા કલાકમાં પનીર તૈયાર થઈ જશે. આ પનીરના ચોસલા પાડી તમે તુરંત રસોઈ માટે વાપરી શકો છો. જો પનીર બે-ત્રણ દિવસ માટે રાખવું હોય તો ફ્રિજમાં એકાદ બાઉલમાં પાણી લઈ એમાં મૂકી રાખો.

ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ..!!

0

તાજા ગાજરને ખમણીને ઘીમાં સાંતળીને એમાં દૂધ નાખો. ત્યારબાદ જ્યારે ગાજરનો હલવો તૈયાર થવા આવે ત્યારે એમાં દૂધનો માવો ઉમેરીને સ્વાદાનુસાર સાકર નાખો. માવાને લીધે સ્વાદ વધી જશે.

હલવાને થોડો અલગ ટેસ્ટ આપવો હોય તો પ્લેટમાં ગરમાગરમ હલવો પીરસી ઉપર ઠંડો-ઠંડો વેનિલા આઈસ્ક્રીમ સ્કૂપથી પીરસો. અથવા જ્યારે આઈસ્ક્રીમ બનાવો ત્યારે આઈસ્ક્રીમના મિશ્રણમાં ગાજરનો બનાવીને ઠંડો કરેલો હલવો મિક્સ કરીને જમાવવા માટે ડીપ ફ્રિઝરમાં મૂકો. આ રીતે તૈયાર થશે ગાજરનો હલવો વિથ આઈસ્ક્રીમ.

પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

0

નાનાં મોટા સહુને ભાવે એવા પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

પનીરના એક-એકના ઈંચ ટુકડા કરો. ત્યારબાદ કોર્ન ફ્લોર (મકાઈનો લોટ)માં મસાલો (મરચું-મીઠું વગેરે) નાખીને ખીરું તૈયાર કરો, એમાં પનીરના ટુકડા બોળીને, થોડી ક્રશ કરેલી રેડીમેડ આલૂ ભૂજિયા સેવમાં રગદોળીને તેલમાં તળી લો.

લો ઝટપટ તૈયાર છે અવનવું હોમમેડ સ્ટાર્ટર

સેન્ડવિચ ઢોકળા

0

સેન્ડવિચ ઢોકળા બનાવો ત્યારે ઢોકળાની બે લેયર વચ્ચે ચટણી સાથે વટાણા તેમજ ગાજર અધકચરા ક્રશ કરીને થોડાં સાંતડીને તેમાં મસાલો ઉમેરીને મિક્સ કરો તો વાનગી મજેદાર બનશે.

રવાની જલેબી

0

ક્રિસ્પી જલેબી ખાશો તે પણ રવાની? તો જાણી લો કેવી રીતે બનશે
રવાની જલેબી…

એક ભાગ રવો, પા ભાગ મેંદો અને સામે અડધો ભાગ દહીં. બધી સામગ્રી ભેગી કરી ખીરૂ બનાવો, ૧૦ મિનિટ માટે રાખો અને ત્યારબાદ ગરમ તેલ/ઘીમાં જલેબી તળી લો.

જૈન પંજાબી શાક

0

જૈન પંજાબી શાક (કાંદા-લસણ વગરનું) કેવી રીતે બનાવશો?

કાજુ તથા ખસખસ તેમજ લીલું કોપરૂં સુધારીને સાંતળીને મિક્સીમાં પીસીને
ગ્રેવી બનાવી લો. 
(કાજુના વિકલ્પ તરીકે મગજતરીના બીજ (સક્કરટેટીનાં બીયા) લઈ શકો છો) 

શાકમાં કસૂરી મેથી નાખશો તો શાક વધુ સ્વાદિષ્ટ બનશે.

ચટપટી ભેલ

0

ચટપટી ભેલને વધુ સ્વાદિષ્ટ કઇ રીતે બનાવશો?

તીખી-મીઠી ચટણીવાળી ચટપટી ભેલ બનાવો ત્યારે તેમાં કાચી કેરીના નાનાં ટુકડા સમારીને નાંખો સાથે દાડમનાં દાણાં પણ ઉમેરો તો સ્વાદ વધી જશે.

ભેલને વધુ હેલ્ધી બનાવવા એમાં બાફેલી અમેરિકન કોર્ન તેમજ ફણગાવેલા મગ તથા ફણગાવેલા ચણા બાફીને નાંખી શકો છો. શિયાળામાં લીલાં પોંક પણ ઉમેરી શકો છો.

મગની દાળનો શીરો

0

ઈન્સ્ટન્ટ છતાં સ્વાદિષ્ટ મગની દાળનો શીરો કેવી રીતે બનાવશો?

મગની દાળ (મોગર)ને ધોઈને પાણી નિતારીને સરખા પ્રમાણમાં ઘી લઈ તેમાં શેકો. ઠંડી થયા બાદ તેને મિક્સીમાં કરકરી પીસી લો. આ દળેલી દાળ શીરા માટે ઘીમાં ફક્ત 5-10 મિનિટમાં શેકાઈ જાય છે.  ત્યારબાદ સ્વાદાનુસાર સાકર ઉમેરો.