અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત જંત્રીના દરોમાં વધારા પર કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઈ)એ ચિંતા દર્શાવી છે અને ચેતવણી પણ આપી છે કે એનાથી સંપત્તિની કિંમતોમાં 30 ટકાથી 40 ટકાનો વધારો થવાની શક્યતા છે.
સંસ્થાએ વાંધા જમા કરવાની સમયમર્યાદા 30 ડિસેમ્બર, 2024થી વધારીને 31 માર્ચ, 2025 સુધી કરવાની પણ માગ કરી છે. સામે પક્ષે રાજ્ય સરકારનું કહેવું છે કે જંત્રીના દરોમાં જે પ્રસ્તાવિત વધારો છે તે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવ્યો છે, પરંતુ ક્રેડાઈ ગુજરાતનું કહેવું છે કે આ તદ્દન અવૈજ્ઞાનિક છે. ક્રેડાઈએ તે પણ કહ્યું છે કે સરકારે વાંધા-સૂચનો મગાવ્યા છે તેના માટે ફક્ત એક મહિનાનો સમય જ રાખ્યો છે તેથી આ સમયને વધારવામાં આવે અને વાંધા-સૂચનો રજૂ કરવા માટે ઓફલાઈન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવે. આ સાથે ક્રેડાઈ ગુજરાતે તે પણ ચીમકી આપી છે કે જો સરકાર પ્રસ્તાવિત વધારા પ્રત્યે ધ્યાન નહીં આપે અને આ સમસ્યાનું સમાધાન નહીં લાવે તો તે કોર્ટમાં જશે.
ક્રેડાઈ ગુજરાતે જણાવ્યું છે કે જો જંત્રીના દરોમાં જે પ્રસ્તાવિત વધારો કરવામાં આવ્યો છે તે અમલી બનશે તો નવા ઘરોની કિંમતમાં 30થી 40 ટકાનો વધારો થશે જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડશે. ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે સરકારે 2023માં રાજ્યમાં જંત્રીના દરો ડબલ કરી દીધા હતા અને બાદમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ દરોને વૈજ્ઞાનિક ઢબે ફાઈનલાઈઝ કરવામાં આવશે.
રાજ્ય સરકારની તમામ મશીનરીએ જંત્રીના નવા દરો નક્કી કરવા માટે 18 મહિનાનો સમય લીધો. જ્યારે તેના માટે વાંધા-સૂચનો રજૂ કરવા માટે સરકાર દ્વારા ફક્ત એક જ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. લોકો આટલા ઓછા સમયમાં વાંધા-સૂચનો રજૂ કરી શકશે નહીં. તેથી ક્રેડાઈ ગુજરાત દ્વારા આ સમયગાળાને વધારીને 31 માર્ચ 2025 સુધી કરવામાં આવે.