તનુજાને પડેલો યાદગાર તમાચો

જો નિર્દેશકે ફિલ્મના સેટ પર તમાચો માર્યો ના હોત તો કદાચ તનુજાએ અભિનય કારકિર્દીને બહુ ગંભીરતાથી લીધી ના હોત. માતા શોભના સમર્થ પોતે અભિનેત્રી અને નિર્દેશિકા હોવાથી પોતાની પુત્રીઓને અભિનયમાં લાવવા ફિલ્મ બનાવતાં હતાં. નૂતનને હીરોઇન તરીકે ચમકાવવા ‘હમારી બેટી'(૧૯૫૦) બનાવી હતી. એમાં સાત વર્ષની તનૂજાએ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

તનુજા યુવાન થઇ એટલે શોભનાએ તેના માટે પોતાના નિર્દેશનમાં ‘છબીલી'(૧૯૬૦) નું નિર્માણ કર્યું હતું. એમાં નૂતનની પણ મહત્વની ભૂમિકા હતી. અને નૂતને પોતાના ગીતો જાતે ગાયાં હતાં. નૂતને હેમંતકુમાર સાથે ગાયેલું ‘લહરોં પે લહર, ઉલ્ફત હૈં જવાં’ આજે પણ લોકપ્રિય છે. જોકે એ ફિલ્મથી તનુજાને કોઇ લાભ ના થયો. તનુજાની અભિનેત્રી તરીકેની ઓળખ નિર્દેશક કિદાર શર્માની ‘હમારી યાદ આયેગી’ (૧૯૬૧) થી ઊભી થઇ હતી. આ એજ કિદાર શર્મા હતા જેમણે રાજ કપૂર, મધુબાલા અને ગીતા બાલીને ફિલ્મોમાં તક આપી હતી.

તનુજા પોતાને અભિનેત્રી તરીકે તૈયાર કરવામાં અને પોતાની કારકિર્દીને સંવારવામાં કિદાર શર્માનો મોટો ફાળો હોવાનું સ્વીકારે છે. તનુજાએ એક મુલાકાતમાં કહ્યું છે કે મારું હિન્દીમાં બોલવાનું એટલું ખરાબ હતું કે છ મહિના સુધી તેમણે તાલીમ આપી હતી. તનુજા વિદેશથી ભણીને આવી હતી. તે અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ અને જર્મન ભાષા ઝડપથી બોલી શકતી હતી. કિદાર શર્માએ તેનું હિન્દી સુધાર્યું અને અભિનયમાં પણ નિખાર આવે એવા પ્રયત્ન કર્યા. કિદાર શર્માએ ‘હમારી યાદ આયેગી’ માં પોતાના પુત્ર અશોક શર્માને હીરો બનાવ્યો હતો. ફિલ્મની હીરોઇન તરીકે તનુજાને મોટી તક મળી હતી. પરંતુ ફિલ્મના શુટિંગને તે ગંભીરતાથી લેતી ન હતી. ‘છબીલી’ ઘરની ફિલ્મ હતી એટલે તનુજા પિકનિક મનાવવા જતી હોય એમ કામ કર્યું હતું. ‘હમારી યાદ આયેગી’ ની વાત જુદી હતી. ફિલ્મના એક કરુણ દ્રશ્યમાં તનુજાએ દુ:ખી થઇને રડવાનું હતું. અને આંખમાંથી આંસુ સારવાના હતા. પણ તનુજા હસતી રહેતી હતી. નિર્દેશક કેદાર શર્માએ જોયું કે તનુજા આ દ્રશ્ય માટે ગંભીર નથી. એમણે બધાની હાજરીમાં તનુજાના ચહેરા પર એક તમાચો જડી દીધો. તનુજાને આ પહેલાં પિતાએ પણ ક્યારેય લાફો માર્યો ન હતો. માતાએ હંમેશા ગાલ પર પ્રેમથી ટપલીઓ જ મારી હતી. તનુજાની આંખોમાં આંસુ આવી ગયા અને રડવા લાગી. તે સેટ છોડીને પોતાની કારમાં ઘરે પહોંચી ગઇ અને માતાને ફરિયાદ કરી.

તનુજાના શબ્દોમાં જ કહીએ તો- ‘મા મને પકડીને કારમાં બેસાડી પાછા સેટ પર લઇ આવ્યાં અને કિદાર શર્માને કહ્યું કે હું આ વાનરને ગમે ત્યારે થપ્પડ મારવાની પરવાનગી આપું છું.’ કહેવાની જરૂર નથી કે પછી તનુજાએ એ ગંભીર દ્રશ્યને સહજ રીતે ભજવી બતાવ્યું. અને ફિલ્મ રજૂ થતાંની સાથે જ સફળ થઇ ગઇ. ફિલ્મની સફળતામાં તેના ગીતોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મુબારક બેગમનું માત્ર અઢી મિનિટનું ગીત ‘કભી તન્હાઇયોં મેં યૂં હમારી યાદ આયેગી’ એટલી અસર મૂકી ગયું કે આજે પણ યાદગાર છે. તનુજાને ભલે અભિનેત્રી તરીકે બહેન નૂતન જેટલી સફળતા મળી નહીં પણ કિદાર શર્માએ તમાચો મારવાની હદ સુધી જઇને જો તેના અભિનયનું ઘડતર કર્યું ના હોત તો દાયકાઓ સુધી ફિલ્મોમાં ટકવાનું સરળ રહ્યું ના હોત. તનુજાએ એક મુલાકાતમાં પોતાની ‘ટોપ ટેન’ ફિલ્મોની યાદીમાં ‘હમારી યાદ આયેગી’ ને પ્રથમ સ્થાન આપ્યું છે. તનુજાની નોંધપાત્ર ફિલ્મોમાં સુનીલ દત્ત સાથેની ‘આજ ઔર કલ’, ધર્મેન્દ્ર સાથેની ‘બહારેં ફિર ભી આયેગી’ અને ‘દો ચોર’, રાજેશ ખન્ના સાથેની ‘હાથી મેરે સાથી’ અને ‘મેરે જીવન સાથી’, જીતેન્દ્ર સાથેની ‘જીને કી રાહ’ અને દેવ આનંદ સાથેની ‘જ્વેલથીફ’ વગેરે ગણાય છે. તનુજાને આખી કારકિર્દીમાં ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ નો એવોર્ડ ભલે ક્યારેય ના મળ્યો પણ ફિલ્મોમાં પ્રદાન માટે ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ’ એવોર્ડ મેળવી ગયાં હતાં.

(રાકેશ ઠક્કર- વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]