ગાતે હૈ શાન સે..: ઉષા ઉથુપ

ભારતના જાણીતા પોપ, ફિલ્મી, જાઝ અને પાશ્વગાયિકા ઉષા ઉથુપનો 8 નવેમ્બર, 1947 ના રોજ મુંબઈમાં જન્મ થયો. સાંઇઠથી એંશીના દાયકાના એ જાણીતા ગાયિકા. ૨૦૧૨માં ‘સાત ખૂન માફ’ ફિલ્મ માટે રેખા ભારદ્વાજ સાથે ગાયેલા ‘ડાર્લિંગ’ ગીતને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ એમને મળ્યો હતો.

પિતાજી વિદ્યાનાથ સોમેશ્વર સાની મદ્રાસથી આવીને મુંબઈમાં સ્થાયી થયા. ભાયખલ્લાની સેન્ટ એજ્નેસ હાઈસ્કૂલમાં ઉષાજી ભણ્યા. ઉછેર સંગીતસભર વાતાવરણમાં થયો એટલે બધા પ્રકારના ફ્યુઝનને કારણે ઉષા ઉથુપે સિત્તેરના દાયકામાં ઇન્ડિયન પોપની પોતાની બ્રાન્ડ વિકસાવી.

ચેન્નાઈના શેફાયર થિયેટરના બેઝમેન્ટમાં આવેલી નાઈટ ક્લબમાં ઉષાજી ગાતાં. એમાં મળેલી સફળતા પછી કોલકાતાની નાઈટ ક્લબમાં પણ ગાતાં. અહીં જ ભાવિ પતિ ઉથુપનો સંપર્ક થયો. એ પછી મુંબઈની નાઈટ ક્લબમાં ગાતાં. દિલ્હીની હોટેલ ઓબેરોયમાં એ ગાતાં ત્યારે નવકેતન ફિલ્મ્સના યુનીટ અને શશી કપૂરે એમને સાંભળ્યા. ખુશ થઈને એમણે ઉષાજીને ફિલ્મમાં ગાવાની ઓફર કરી અને એ રીતે ઉષાજીએ ફિલ્મોમાં પાશ્વગાયિકા તરીકે શરૂઆત કરી.  આઇવરી મર્ચન્ટની ‘બોમ્બે ટોકીઝ’ (૧૯૭૦) માં શંકર જયકિશનના સંગીતમાં એક અંગ્રેજી ગીતથી શરૂઆત થઇ. હિન્દીમાં એમણે ‘હરે રામ હરે કૃષ્ણ’ માટે ગાયું.

સિત્તેર અને એંશીના દાયકામાં રાહુલ દેવ બર્મન અને બપ્પી લાહિરીના સંગીતમાં એમણે ખૂબ ગીતો ગાયાં. કેરળના કોટ્ટાયમમાંજાની ઉથુપ સાથે લગ્ન કરનાર ઉષાજી હાલ કોલકાતામાં રહે છે.

(નરેશ કાપડીઆ-સુરત)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]