દિલીપકુમારની સાયરા અંગેની માન્યતા

બોલીવૂડમાં દિલીપકુમારની એક માન્યતાને કારણે સાયરા બાનુ વર્ષો સુધી તેમની ફિલ્મની હીરોઇન બની શક્યા ન હતા. અલબત્ત, એ માન્યતા દિલીપકુમારે અંગત જીવન બાબતે ખોટી પાડી હતી. ૧૨ વર્ષની ઉમરે દિલીપકુમારની ‘આન’ જોઇ ત્યારથી જ સાયરા બાનુ ‘શ્રીમતિ દિલીપકુમાર’ બનવાનું સપનું જોવા લાગ્યાં હતાં. સાયરા બાનુએ પહેલી વખત દિલીપકુમારને મહેબૂબ ખાનની એક પાર્ટીમાં રૂબરૂ જોયા હતા. અને તેમને દિલ દઇ બેઠાં હતાં. સાયરા માને છે કે બીજાંથી અલગ એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે તે પ્રેમમાં પડી ગયા હતા. બંનેના પરિવાર વચ્ચે મિત્રતા હોવાથી અવાર-નવાર એકબીજાના ઘરે મુલાકાત થતી રહેતી હતી. સાયરાએ ૧૯૬૧ માં શમ્મી કપૂર સાથેની ‘જંગલી’ થી ફિલ્મોમાં કામ શરૂ કર્યું એ પછી દિલીપકુમાર સાથે કામ કરવાની તમન્ના વધી ગઇ હતી. એ માટે ઘણાં વર્ષ સુધી રાહ જોવી પડી. પહેલી જ ફિલ્મથી સાયરાએ ફિલ્મફેરમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ માટે નામાંકન મેળવી લીધું હતું. તેમના અભિનયની ચારેકોર ચર્ચા થતી હતી ત્યારે દિલીપકુમાર સાથે કામ કરવાનું સપનું સાકાર થતાં અટકી જતું હતું. તેથી સાયરા દિલીપકુમારથી નારાજ રહેતાં હતાં.

 

ઘણા નિર્માતા-નિર્દેશકો દિલીપકુમારની હીરોઇન તરીકે સાયરાને લેવા માગતા હતા. એમાં દિલીપકુમારની એક માન્યતા આડી આવતી હતી. તે માનતા હતા કે સાયરાની ઉંમર ઓછી છે. તેની સાથે પોતાની જોડી યોગ્ય લાગશે નહીં. સાયરા બાનુએ વિકી લાલવાની સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે ‘લીડર'(૧૯૬૪) માં દિલીપકુમાર મને નહીં પ્રિયા રાજવંશને લેવા માગતા હતા. પછી વૈજયંતિમાલા આવ્યાં હતાં. ‘રામ ઔર શ્યામ'(૧૯૬૭) અને ‘સંઘર્ષ'(૧૯૬૮) ના નિર્દેશકે સાયરાને ફિલ્મમાં લેવાની વાત કરી હતી. પણ દિલીપકુમારે જ સાયરાની વરણીને નામંજૂર કરી દીધી હતી. તેમને લાગતું હતું કે સાયરા તેમનાથી વધારે પડતી યુવાન હતી. તે એ બાબતે વધારે પડતા સભાન રહેતા હતા કે પોતે સાયરાથી વધુ ઉંમરના છે. એટલું જ નહીં સાયરા શરમાળ અને શાંત હોવાથી તેનામાં હીરોઇનનું મટીરીયલ ન હોવાનું કહેતા હતા. વળી સાયરાને ગુસ્સો એ વાતનો હતો કે મહેમૂદના કહેવાથી દિલીપકુમારે ‘રામ ઔર શ્યામ’ માં મુમતાઝને લીધી હતી. તેની ઉંમર સાયરા જેટલી જ હતી.

 

દિલીપકુમારે ૪૪ ની ઉંમરે લગ્ન કર્યા ત્યારે સાયરા બાનુ ૨૨ વર્ષનાં હતાં. ફિલ્મોમાં પોતે સાયરાથી વધુ ઉંમરના લાગતા હોવાથી સાથે કામ ન કરતાં દિલીપકુમારે અંગત જીવનમાં લગ્ન વખતે એ માન્યતાને માની ન હતી. દિલીપકુમારે સાયરા બાનુની તેમની હીરોઇન તરીકે કામ કરવાની ઇચ્છા જરૂર પૂરી કરી હતી. ૧૯૭૦ માં રજૂ થયેલી ‘ગોપી’ માં સાયરાએ તેમની હીરોઇન તરીકે કામ કર્યું હતું. એ ફિલ્મ એમની જોડી કરતાં દિલીપકુમારના અભિનય અને ‘સુખ કે સબ સાથી…’ જેવા ગીતોને કારણે વધારે પસંદ કરવામાં આવી હતી. બંનેએ ‘સગીના'(૧૯૭૦) અને ‘બૈરાગ'(૧૯૭૬) માં પણ સાથે કામ કર્યું હતું. દિલીપકુમારે સૌથી વધુ વૈજયંતીમાલા અને નરગીસ સાથે સાત-સાત ફિલ્મો કરી હતી. વૈજયંતિમાલા સાથે દિલીપકુમારની જોડીને પડદા પર સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી. દિલીપકુમારના વૈજયંતિમાલા સાથેના અફેરના સમાચારો આવતાં રહેતાં હતાં ત્યારે પણ સાયરા બાનુ વિચલિત થયા ન હતા. જ્યારે વૈજયંતિમાલાએ દિલીપકુમાર સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું ત્યારે તેમણે જ ‘નયા દૌર’ ની રંગીન આવૃત્તિના પ્રિમિયરમાં હાથ મિલાવડાવી સમાધાન કરાવ્યું હોવાનું સાયરા બાનુએ એક મુલાકાતમાં કહ્યું છે. અને એ વાતનો વૈજયંતિમાલાએ પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યો છે.

 

(રાકેશ ઠક્કર- વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]