બિંદુ : હીરોઇનનું સપનું અધૂરું

બિંદુની અભિનય કારકિર્દીમાં પહેલી જ ફિલ્મ ‘દો રાસ્તે’ થી વેમ્પનો એવો સ્ટેમ્પ લાગ્યો કે તેની યુવાની ખલનાયિકાની ભૂમિકાઓમાં જ પૂરી થઇ. હીરોઇન બનવાની ઇચ્છા મનમાં જ રહી ગઇ. કદાચ તેના નસીબમાં હીરોઇન બનવાનું લખાયું નહીં હોય. નહીંતર હીરોઇન તરીકેની શરૂ થયેલી એક ફિલ્મ જરૂર પૂરી થઇ ગઇ હોત.

જો કે, બિંદુએ ભલે હીરોઇન તરીકે તક ના મેળવી પણ હીરોઇનની બરાબરીની ખલનાયિકાની ભૂમિકાઓથી બોલીવુડમાં પોતાનું સ્થાન ચોક્કસ બનાવ્યું. ‘મોના ડાર્લિંગ’ તરીકે એટલી લોકપ્રિયતા મળી કે હીરોઇનોથી ય વધારે મહત્વ મળ્યું. જાવેદ અખ્તરે એક વખત બિંદુને કહ્યું હતું કે તમારા જેવી અભિનેત્રી કોઇ નહીં હોય. અમે જ્યારે વાર્તા વિચારીએ છીએ ત્યારે તમારા વિશે વિચાર કરીને પહેલાં તમારું નામ લખી દઇએ છીએ. તમારા પાત્રનું નામ પછીથી નક્કી કરીએ છીએ. એ કારણે બિંદુને દરેક ફિલ્મમાં મજબૂત ભૂમિકાઓ મળી. સમય જતાં ફિલ્મોમાં વિલન બદલાતા જતા હતા. ખલનાયિકા તો બિંદુ જ રહેતી હતી. શરૂઆતમાં બિંદુને હીરોઇન બની ન શકયાનો અફસોસ રહ્યો. એ પછી જ્યારે નામ થઇ ગયું ત્યારે લોકોએ કહેવાનું શરૂ કર્યું કે જેટલી પ્રસિધ્ધિ વેમ્પના કામથી મળી છે એ કોઇ હીરોઇનથી કમ નથી.

નિર્દેશક રાજ ખોસલાએ જ્યારે ‘દો રાસ્તે’ માટે ઓફર આપી ત્યારે હીરોઇનની ભૂમિકા હશે એમ સમજીને પહેલાં તો બિંદુ ખુશ થઇ ગઇ હતી. રાજ ખોસલાએ કહ્યું કે હીરોઇન તરીકે મુમતાઝ પસંદ થઇ ચૂકી છે અને વેમ્પ તરીકે તેને ઓફર કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે એ ભૂમિકા દમદાર છે. ત્યારે બિંદુ ખચકાઇ કે પહેલી જ ફિલ્મમાં રાજ તેને વેમ્પ બનાવી રહ્યા છે. બિંદુને નિરાશ થતી જોઇ રાજે પંદર દિવસ વિચારવા માટેનો સમય આપ્યો. બિંદુએ વિચાર્યું કે ગાળો ખાવાનો રોલ છે, પણ પ્રયત્ન કરવામાં શું જાય છે. પતિને તેણે પૂછ્યું ત્યારે એમણે ઠીક લાગે એમ કરવાની સલાહ આપી. આખરે બિંદુએ હા પાડી દીધી. તેને ખબર ન હતી કે એ ગાળો જ તેના માટે એવોર્ડ જેવી હશે. બિંદુએ આશા પારેખના સંવાદ બોલીને એ ભૂમિકા મેળવી હતી. બિંદુને ટેસ્ટ માટે બોલાવી ત્યારે રાજ ખોસલા આશા પારેખ અને સુનીલ દત્ત સાથે કોઇ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા. તેમણે આશાના જ કેટલાક સંવાદ બોલવા આપી દીધા. તેનું રિહર્સલ કર્યા પછી બિંદુનો પહેલા જ ટેકમાં શોટ ઓકે થઇ ગયો. અને પાસ થઇ ગઇ. અસલમાં ‘નીલામ્બરી’ નામના એક પુસ્તક પરથી રાજ ખોસલા ‘દો રાસ્તે’ બનાવી રહ્યા હતા. એમાં બિંદુની ભૂમિકા ‘નીલામ્બરી’ ની જ હોવાથી મહત્વની હતી. આમ તો ફિલ્મનું નામ ‘નીલામ્બરી’ રાખવામાં આવનાર હતું. પરંતુ એ નામ પૌરાણિક લાગતું હોવાથી બદલવામાં આવ્યું હતું. શરૂઆતમાં ‘દો રાસ્તે’ ને બહુ પસંદ કરવામાં આવી ન હતી. માઉથ પબ્લિસિટીથી ધીમે ધીમે ‘દો રાસ્તે’ સફળ થઇ અને પછી કટી પતંગ, મેમસાબ, અમરપ્રેમ જેવી ફિલ્મોથી બિંદુને સ્ટારડમ મળી ગયું.

બિંદુની પ્રેમ ચોપડા સાથેની જોડી બહુ લોકપ્રિય બની હતી. દિલીપકુમારની ‘દાસ્તાન’ માં બંને પર રોમેન્ટિક ગીત ‘હાય મૈં કિ કરા’ ફિલ્માવવામાં આવ્યું હતું. તેમની જોડીની લોકપ્રિયતાને જોઇ નિર્દેશક પી.સંતોષીએ બિંદુને હીરોઇન અને પ્રેમ ચોપડાને હીરો તરીકે ચમકાવતી એક ફિલ્મ શરૂ કરી. પરંતુ એ બની શકી નહીં અને બિંદુને ફરી ક્યારેય હીરોઇન બનવાની તક ના મળી. બિંદુનું માનવું છે કે તેને હીરોઇન બનાવવામાં નિર્દેશકોને ઉંચાઇનો વાંધો હતો. જો કે, બિંદુને કારકિર્દીમાં વેમ્પ તરીકે એટલી સફળતા મળી કે પછી હીરોઇન ન બનવાનો વધારે અફસોસ ના રહ્યો.

(રાકેશ ઠક્કર-વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]