રાધનપુરઃ રાધનપુરમાં આંખની હોસ્પિટલ હોસ્પિટલમાં આંખની સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ ભોગ બન્યા છે. 45થી 70 વર્ષની વ્યક્તિઓની આંખોની દ્રષ્ટિને અસર થઈ છે. અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને વઘુ સારવાર અર્થે ગઈ કાલે રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દર્દીઓએ બીજી ફેબ્રુઆરીએ સારવાર કરાવી હતી, જે બાદ ઇન્ફેકશન થતાં ચોથી ફેબ્રુઆરીએ સિવિલ દાખલ કરાયા હતા. ઓપરેશન બાદ પાંચ જેટલા દર્દીઓને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. આ સાથે આંખ લાલ રહેવી, આંખમાંથી પાણી પડવાની પણ સમસ્યા થઈ હતી. જોકે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી.
આ પહેલાં જાન્યુઆરીમાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખનાં મોતિયાનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ રાજ્યમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુરમાં બની છે. અહીં આંખની હોસ્પિટલમાં સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા.
માંડલ અંધાપાકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઇ હતી. હાઇકોર્ટે આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી. ત્યાં હવે ફરી રાજ્યમાં અંધાપાકાંડની ઘટના સામે આવી છે.