ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજી વખત મળેલી જબરદસ્ત સફળતાએ ભાજપના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. નરેન્દ્ર મોદી-યોગીની ડબલ એન્જિન પરિકલ્પનાને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રભાવ વધી ગયો છે.
પરંતુ બીજી બાજુ જીએસટી વળતર મુદ્દે દક્ષિણના રાજ્યોમાં ગુજરાત પ્રતિ અણગમો પ્રવર્તે છે. ત્યાં એવી લાગણી છે કે કેન્દ્ર સરકાર ગુજરાતની કાળજી લે છે, પણ દક્ષિણના છ રાજ્યો સાથે ઓરમાયું વર્તન કરે છે. જીએસટી વસૂલીમાં દક્ષિણના રાજ્યોનો હિસ્સો વધારે છે, પરંતુ એમને જીએસટી વળતર ઓછું અપાય છે. નાણામંત્રી નિર્મલા સીતારામને અનેકવાર કહ્યું છે જીએસટીનું ટકાવારી પ્રમાણે લેવાય છે અને એની ફાળવણી કાઉન્સિલ કરે છે, પણ આમ છતાં દક્ષિણના રાજ્યોમાં ક્યાંક હજુ એવી લાગણી પ્રવર્તે છે કે ઉત્તરના રાજ્યોમાં વિકાસના પ્રોજેક્ટસ વધારે આવે છે અને દક્ષિણને અન્યાય થાય છે.
એ પણ ખરું છે કે, મોદીની ‘સબકા સાથ, સબકા વિકાસ’ નીતિએ દક્ષિણ ભારતીયોને આકર્ષિત કર્યા છે અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારની બીજી ઈનિંગ્ઝ અને અયોધ્યામાં રામમંદિર ગર્ભગૃહની સ્થાપના કરાઈ તે પછી દક્ષિણ ભારતમાં લાખો હિન્દુ શ્રદ્ધાળુઓમાં આનંદ છવાયો છે. પરંતુ, તામિલ અને તેલુગુ ટીવી ચેનલો પરની ડીબેટમાં ડીએમકે કે ટીઆરએસ પાર્ટીઓના પ્રવક્તાઓ દ્વારા એવી ટીકા કરાય છે કે મોદી ગુજરાતના છે અને દક્ષિણના રાજ્યોની અવગણના કરતા રહ્યા છે.
નવા રાષ્ટ્રપતિ સાઉથમાંથી?
દક્ષિણ ભારતમાં એવી અટકળો છે કે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે કોઈક દક્ષિણ ભારતીયની પસંદગી કરશે. જો એમ થશે તો દક્ષિણ ભારતના છ રાજ્યોમાં ભાજપનું વજન બમણું થઈ જશે.
દક્ષિણ ભારતમાં કોંગ્રેસ ક્યાંયની નથી રહી
દક્ષિણના છ રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ લાપતા જેવી છે. કારણ એ છે કે રાહુલ ગાંધી સંસદસભ્ય તરીકે જ્યાંથી ચૂંટાઈ આવ્યા છે તે વાયનાડની મુલાકાતે ગયા નથી. એમના જ મતવિસ્તારનાં લોકો કહે છે કે રાહુલને અમારી મુલાકાત લેવાને બદલે વિદેશપ્રવાસ કરવાનું વધારે ગમે છે.
દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે મોટો ભેદ પ્રવર્તે છે. દક્ષિણના છ રાજ્યોમાં નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા છે. મોદીને ટેક્નોલોજી પ્રત્યે જે લગાવ છે એને કારણે આઈટી ક્ષેત્રના કર્મચારીઓને એમના પ્રતિ વિશેષ આદર છે. હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુ – આ ત્રણ આઈટી કેન્દ્રોમાં 30થી નીચેની વયનાં યુવાવ્યક્તિઓ ગ્રાફિક્સ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ્સમાં નવીનતા લાવવા બદલ મોદીથી ખુશ છે.
મોદીની ડબલ એન્જિનવાળી સરકારની ફોર્મ્યુલા કર્ણાટક અને પુડુચેરીમાં સફળ થઈ છે. તામિલનાડુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપે પોતાનો પ્રભાવ ઊભો કર્યો છે. યુવા નેતા અન્નામલાઈના પ્રયાસોનું આ પરિણામ છે. તાજેતરમાં, ત્યાંની સ્થાનિક સ્વરાજ ચૂંટણી ભાજપ એકલે હાથે લડ્યું હતું. ADMK સાથે ગઠબંધન કર્યા વગર. ભાજપે સાત ટકા જેટલા મત હાંસલ કર્યા હતા. આવું જ કેરળમાં પણ થયું છે. હિન્દુત્વના જુવાળે સફળતા હાંસલ કરાવી છે. પરંતુ, સામ્યવાદીઓનું વર્ચસ્વ તોડવાનું અઘરું રહેશે. ત્રિપુરામાં સીપીએમને સત્તા પરથી હાંકી કાઢવામાં ભાજપને સફળતા મળી, હવે આવતા પાંચ વર્ષમાં એણે કેરળમાં તેમ કરી બતાવવાનું રહેશે.
દક્ષિણ ભારતીયોને રિઝવવાના ભાજપના પ્રયાસ
2024ની લોકસભા ચૂંટણીમાં, દક્ષિણ ભારતના છ રાજ્યોમાં વધુને વધુ બેઠકો મળે એવી ભાજપ આશા રાખે છે. અહીં તેની સામે આઠ પક્ષ છે – ડીએમકે, એડીએમકે, પીએમકે, ટીઆરએસ, ટીડીપી, વાઈએસઆર, કોંગ્રેસ, પરંતુ ભારતનો હિન્દુત્વનો મુદ્દો ત્રણ દક્ષિણી રાજ્યો – કર્ણાટક, પુડુચેરી અને તેલંગણામાં આકર્ષણના કેન્દ્રમાં છે. પરંતુ તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં એણે વિપક્ષનો સામનો કરવાનો આવશે.
મોદી તાજેતરમાં હૈદરાબાદ ગયા હતા ત્યારે એમણે કે. ચંદ્રશેખર રાવ અને એમના તેલંગણા રાષ્ટ્ર સમિતિ પક્ષ પર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ તેલંગણા રાજ્યમાં મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે ભાગલા પડાવે છે.
ડીએમકેના પ્રધાનોએ ઉત્તર ભારતીયો વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો
તામિલનાડુના આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યને રાજ્યમાં કોરોનાવાઈરસના કેસમાં થયેલા વધારા માટે અન્ય રાજ્યોમાંથી, ખાસ કરીને ઉત્તર ભારતમાંથી આવતા વિદ્યાર્થીઓને જવાબદાર ગણાવ્યા છે. ડીએમકેના જ અન્ય પ્રધાન પોનમુડીએ તો વળી એવું કહ્યું કે તામિલનાડુમાં પાણીપુરી વેચે છે માત્ર એ જ લોકો હિન્દી બોલે છે.
એ તો નિઃસંદેહ વાત છે કે દેશભરમાં ભાજપ સામે વિરોધપક્ષ છે, પરંતુ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ અને તેલંગણામાં સત્તા મેળવવાનું ભાજપ માટે આસાન નહીં હોય. કર્ણાટકમાં સત્તા મેળવ્યા પછી એવું જણાયું હતું કે દક્ષિણના વધુ રાજ્યોમાં ભાજપનું જોર વધશે, પરંતુ એ હજી સપનાની જ વાત છે.
મોદીએ વિદેશોમાંથી ભારતીય મૂર્તિઓ પાછી લાવી બતાવી
ઉત્તર ભારતમાં હાલ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ ચાલે છે ત્યારે વડા પ્રધાન મોદીના એક આદેશનું પાલન થયું. આ કામ ડો. મનમોહન સિંહના શાસન વખતે શક્ય બન્યું નહોતું. ચોરાયેલી અને વિદેશોમાં સંઘરાયેલી ભારતીય મૂર્તિઓના મુદ્દે યૂપીએ સરકાર મૌન હતી.
દ્વારપાળના બે-સ્ટોનવાળી શિલ્પકૃતિઓ તિરુનેલવેલી જિલ્લાના એક મંદિરમાંથી ચોરવામાં આવી હતી. નટરાજની 11-12મી સદીવાળી જૂની કાંસ્યની શિલ્પકૃતિ થાંજાવુર જિલ્લાના એક મંદિરના સ્ટ્રોંગ રૂમમાંથી 1966-67માં ચોરવામાં આવી હતી અને બાદમાં ન્યૂયોર્કના એશિયા સોસાયટી મ્યુઝિયમમાં જોવા મળી હતી. આ મૂર્તિઓ પરત લવાતાં હિન્દુ શ્રદ્ધાળુઓ ખુશ થયાં છે. મોદીએ એમનાં દિલ જીતી લીધાં છે. આ રીતે ઉત્તર ભારતીયો પર દક્ષિણ ભારતીયોનો ગુસ્સો ઓછો થયો છે.
(આર. રાજગોપાલન)
(લેખક નવીદિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર છે. ટેલિવિઝન પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણ પર યોજાતી ચર્ચામાં વિશ્લેષક તરીકે ભાગ લે છે.)