બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ૧-૩થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે T20 અને ODI શ્રેણી પણ રમવાની છે. પરંતુ હવે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓને સ્થાન મળશે તે અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શમી સહિત 3 સિનિયર ખેલાડીઓને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025, 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે.
ત્રણ સિનિયર ખેલાડીઓ બહાર!
એક તરફ રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જેમને ખરાબ ફોર્મ છતાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું લગભગ નિશ્ચિત લાગે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. રાહુલ વિશે વાત કરીએ તો, 2023 ના ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં વિકેટકીપરની પહેલી પસંદગી તરીકે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઋષભ પંતને નંબર-1 વિકેટકીપર તરીકે જોવામાં આવી રહ્યો છે. રાહુલની પસંદગી બેક-અપ વિકેટકીપર તરીકે શક્ય છે, પરંતુ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ સંજુ સેમસનને બેક-અપ વિકેટકીપર તરીકે પસંદ કરી શકે છે.
બીજી તરફ, રવિન્દ્ર જાડેજાનું સ્થાન પણ જોખમમાં હોય તેવું લાગે છે, તેમને અક્ષર પટેલ તરફથી સીધી સ્પર્ધા મળી રહી છે. અહેવાલ મુજબ, પસંદગીકારો માને છે કે અક્ષર પટેલ સફેદ બોલના ક્રિકેટમાં જાડેજા કરતાં વધુ પ્રભાવશાળી રહ્યો છે. મોહમ્મદ શમીની પસંદગીની વાત કરીએ તો, તેની ફિટનેસ હજુ પણ શંકાના દાયરામાં છે. શમીએ તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે સારી બોલિંગ કરી હતી, પરંતુ પસંદગીકારો હજુ પણ તેની ફિટનેસ અંગે વિશ્વાસ ધરાવતા નથી.