ઈશ્વરના મંદિરોમાં ભીડ છે એના કરતા ફરવાની જગ્યાઓ પર ભીડ વધારે છે એ સાંભળ્યા બાદ વિચાર આવે કે માણસ સ્વમાં ઈશ્વરને શોધે છે કે પછી માત્ર સ્વ ને શોધે છે. શું અંતરમાં ઈશ્વર ન મળે? જે ત્રીજી લહેર ન આવે તેના માટે વિચારવાના બદલે એ આવે તે પહેલા ફરી લેવાનું વિચારતો માણસ ક્યાંક પોતે જ ત્રીજી લહેરને આમંત્રણ તો નથી આપી રહ્યોને? આગળની બે લહેરોમાં પોતાની આસપાસ અનેકને જતા જોયા, તકલીફમાં જોયા તો પણ હજુ પોતે રાજી છે એ સાબિત કરવા પ્રયત્ન કરે છે કે પછી સ્મશાન વૈરાગ્ય છે કે જતા પહેલા થોડું જોઈ લઈએ? આદર્શ સ્થિતિ એ છે કે પોતાની જાતને સંભાળવી. અને એના માટે બધાજ નિયમોનું પાલન કરવું. પણ જો આદર્શ વાયુ પણ કાલ્પનિક હોય તો અન્ય સ્થિતિના આદર્શ પણાની વાત થોડી જ થાય?
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: શિવપૂજામાં વપરાતા દ્રવ્યોનું આયુર્વેદમાં ક્યાંક ને ક્યાંક મહત્વ દેખાય છે તો શિવપૂજા એ માત્ર પ્રતિક હોય અને એના થકી કોઈ અન્ય વાતની જાણકારી આપવા પ્રયત્ન થયો હોય એવું બને?
જવાબ: શિવ એ જગતનો આધાર છે. એટલે એવું માની શકીએ કે સ્વને જાગૃત કરવા કે ચેતના પામવા શિવપૂજા જરૂરી છે. શિવ પૂજા જે કોઈ જીવિત છે એ કરી શકે છે. હવે વાત કરીએ દ્રવ્યોની. કોઈ પણ વ્યક્તિની સાથે રહેવાથી એની સંગતની અસર આપણી ઉપર થઇ શકે. એ જ રીતે કોઈ દ્રવ્યોના સંપર્કમાં આપણે આવીએ ત્યારે તેની ઉર્જાની અસર આપણને થઇ શકે. વળી જગતના કેન્દ્ર સમા શિવલિંગ સાથે સંપર્કમાં આવેલ દ્રવ્યમાંથી ઉદ્ભવતી વિવિધ ઉર્જા આપણને પ્રાપ્ત થાય એ ભાવ જરૂર આ પ્રક્રિયામાં હોઈ શકે. પણ શિવ અને શિવલિંગ સાથે જોડાયેલી દરેક વાતને જેમ શાસ્ત્રો સમર્થન નથી આપતા તે જ રીતે અન્ય બાબતોને પણ વિચારી ન શકાય. શિવપૂજાને કોઈ વૈજ્ઞાનિક બાબત સાથે જોડવા સંશોધન ચોક્કસ કરી શકાય.
સવાલ: મને કોઈએ મંત્ર કરવા કહ્યું છે. પણ હું એ મંત્રો કરું છુ પછી મને ખુબ ગુસ્સો આવે છે. મારે વાતવાતમાં સંબંધો બગડી રહ્યા છે. તો મારે મંત્રો ચાલુ રાખવા જોઈએ કે પછી બંધ કરી દેવા જોઈએ?
જવાબ: તમે કયા મંત્રો કરો છો એની માહિતી તમે નથી આપી. વળી તમે એ મંત્રો કયા કારણથી કરો છો અને કેવી રીતે કરો છો એ પણ નથી જણાવ્યું. મંત્રોના ઇચ્ચારો, આરોહ અવરોહ વિગેરે સમજીને તેને કરવા જોઈએ. જો ખોટા ઉચ્ચારો થાય તો શબ્દનો અર્થ બદલાઈ જાય. અને ઇન્દ્રાસનના બદલે નીન્દ્રાસન પણ મળી શકે. વળી યંત્રવત કરેલા મંત્રોનો કોઈ અર્થ નથી હોતો. સાચા સમયે, સાચા ઉચ્ચારો સાથે, સાચી રીતે, સાચી સમય મર્યાદામાં મંત્ર કરવામાં આવે તો એનો પ્રભાવ યોગ્ય રીતે પામી શકાય. માત્ર ક્યાંક વાંચીને કે કોઈના કહેવાથી મંત્ર કરવાનો કોઈ અર્થ ન રહે. આપણા દરેક શાસ્ત્રોમાં વિજ્ઞાન છે. અને સ્વરોમાં પણ ઉર્જા છે. એ ઉર્જાને સાચી રીતે પામવા માટે યોગ્ય રીત જરૂરી છે. આપ જો એ જણાવશો તો વધરે સારી રીતે સમજી શકાશે.
આજનું સુચન: શિવલિંગ પર અભિષેક કરતા પહેલા વ્યક્તિનું તન અને મન શુદ્ધ હોવું જરૂરી છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)