વાસ્તુ: ભરોસા શબ્દ પરથી ભરોસો ઉઠી જાય ત્યારે..

ભરોસો. એક નાનો શબ્દ છે પણ એનો અર્થ ખુબ ગૂઢ છે. ભરોસો કરવો, કરાવવો, આપવો, અપાવવો અને તોડવો, આવા ઘણા શબ્દો આ શબ્દ સાથે જોડાયેલા છે. કોઈનો ભરોસો જીતવો તે સાચે જ ખુબ અઘરું કામ છે. પણ જો કોઇ સાચા અર્થમાં ભરોસાપાત્ર મળી જાય તો તે નસીબની વાત છે. કેટલાક લોકો ભરોસો જીતવા દ્વિમુખી બને છે. પણ જ્યારે સાચો ચહેરો સામે આવે ત્યારે સામે વાળી વ્યક્તિનો ભરોસા શબ્દ પરથી ભરોસો ઉઠી જાય છે. તેથી જ પારદર્શક રહી કોઈના મનમાં જગ્યા બનાવી રહેવું જરૂરી છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નિયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: શિવપૂજા કરવી જોઈએ એવું ઘણા લોકો કહે છે. હું પણ એમાં માનું છું. પણ હમણાં ધૃત ધારાના ભાષાંતરમાં ધતૂરાનું પાણી એવું કહેલ. તો આવું યોગ્ય ગણાય?  એના કારણે કેટલા બધા લોકો ખોટી રીતે પૂજા કરે?

જવાબ: શિવ વિશે જેટલું વિચારીએ તેટલો અભ્યાસ કરી શકાય. સંશોધન કરવામાં આવે તો ઘણી સારી માહિતી મળી શકે. આપનો સવાલ વ્યાજબી છે. થાળીમાં શું મૂક્યું છે એ જોયા પછી જ ખવાય. માત્ર જે પીરસવામાં આવે છે એ ખાવાની વૃત્તિ ન રખાય. માહિતીના યુગમાં દરેક માહિતી સાચી ન હોય. આખો સમાજ ખોટું સમજે એ ખોટું છે. પણ વ્યક્તિગત જવાબદારી પણ નક્કી કરવી જોઈએ.

સવાલ: મારો શેઠ મને ખોટું કાર્ય કરવા કહે છે. એ મને પગાર આપે છે એટલે મારાથી ના નથી પાડી શકાતી. પણ કોઈને છેતરવાનું યોગ્ય ગણાય?

જવાબ: નોકરીના નિયમો મુજબ તમારે પગારના બદલે કોઈને છેતરવા એવું નક્કી થયું હતું?  એવું નહીં જ હોય. તમે શા માટે કોઈના પાપમાં ભાગીદાર બનો છો? વફાદારી શબ્દનો સાચો અર્થ તમે જે સમજો છો એ નથી. શેઠનું કામ પુરી નિષ્ઠાપૂર્વક કરો. સમયની ગણતરી પણ ન કરો. ઈશ્વર ચોક્કસ મદદ કરશે. પણ અન્યને છેતરવાનું કામ ન કરો. તમે વાયવ્યમાં જે જગ્યાએ બેસો છો તેના કારણે તમને નિર્ણય લેવામાં તકલીફ પડે છે. શિવલિંગ પર અભિષેક કરો અને સૂર્યને અર્ઘ્ય આપો. સાચો માર્ગ જરૂર દેખાશે .

આજનું સુચન: શિવલિંગ પર માત્ર જળથી અભિષેક કરવા કરતાં યોગ્ય દ્રવ્ય સાથે કરવો જોઈએ.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો….vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]