“સાહેબ મને લાગે છે કે મારું તો હાડ જ બેસી જશે.” એક પાંત્રીસેક વરસની સ્ત્રી મારા એક ડોક્ટર મિત્રને કહી રહી હતી. તેના ગયા પછી ડોકટરે મને સમજાવ્યું કે,”હાડ એટલે હૃદય.” આજકાલ આવીજ રીતે અચાનક હૃદયને લગતી બીમારીનો આંક વધી રહ્યો છે. ત્યારે વિચાર તો આવેજ કે આની પાછળ કોઈ ઊર્જાનું વિજ્ઞાન તો કામ કરતું નહીં હોય ને? જયારે ઇશાનનો દોષ હોય ત્યારે હૃદય ને તકલીફ પડે એવું કહી શકાય.
ઇશાનમાં મોટું વૃક્ષ હોય, જમીનની ઉપર પાણીની ટાંકી હોય, દાદરો હોય, ત્રાંસ હોય,સંડાસ હોય કે પછી અન્ય કોઈ દોષ હોતો આવી શક્યતા વધી જાય. જો ઇશાનથી અગ્નિનો અક્ષ નકારાત્મક હોય તો નારી અથવા નવી પેઢીની વ્યક્તિને હૃદયની બીમારી આવી શકે. જો પૂર્વનો દોષ ઇશાન સાથે હોય તો બે પેઢી વચ્ચેના સંબંધોના લીધે આવી તકલીફ આવે.
હૃદય રોગની તકલીફ શરુ થાય લોહીના દબાણની તકલીફના લીધે. ઉત્તર તરફ માથું રાખીને સૂવાની ટેવ હોય તો આવું બને. એમાં પણ ઇશાન અને બ્રહ્મનો દોષ હોય તો નાની ઉમરમાં આવી તકલીફ આવી શકે. જો અગ્નિથી નૈરુત્યનો અક્ષ નકારાત્મક હોય અને ઇશાન દૂષિત હોય તો ઘરના વાતાવરણના કારણે આવું બને. અને જો તેની સાથે અન્ય એક અક્ષ પણ નકારાત્મક હોય તો બની શકે કે હૃદયની તકલીફ વધારે થતાં કીડનીને પણ અસર પડે. સારી ઊંઘ અને સ્વસ્થ મનથી હૃદયની સમસ્યાને નિવારી શકાય છે. જયારે બ્રહ્મ અને ઇશાન બંનેની તકલીફ હોય ત્યારે ઊંઘની તકલીફ રહે. તો પશ્ચિમનો અક્ષ બરાબર ન હોય ત્યારે વિચારો વધારે આવે અને ઊંઘ પૂરી ન થાય. અમુક કેસમાં મેં જોયું છે કે હૃદય માં દુખે ત્યારે છાતીની બંન્ને બાજુ દુખાવો થાય. તો અમુક લોકોને લોહીનું દબાણ ક્યારેક ખૂબ જ ઓછુ થઇ જાય અને ક્યારેક ખુબજ વધી જાય. કેટલાક લોકોને મૃત્યુનો ભય પણ રહ્યાં કરે તો કોઈને આભાસી તકલીફ પણ હોય.
બ્રહ્મમાંથી પસાર થતાં અક્ષમાંથી એક અક્ષમાં જો વધારે નકારાત્મકતા હોય તો તે મૃત્યુતુલ્ય તકલીફ આપી શકે છે. વળી અન્ય એક અક્ષની સમસ્યા મૃત્યુનો કાલ્પનિક ભય આપે તેથી વ્યક્તિને વારંવાર એવો ડર રહ્યાં કરે કે તેનું હૃદય બંધ થઇ જશે. હૃદયનું મુખ્ય કામ છે લોહીને ફિલ્ટર કરી અને તેને શરીરના વિવિધ ભાગમાં પહોંચાડવાનું. જયારે ઉત્તરનો અક્ષ યોગ્ય ન હોય ત્યારે આ કાર્ય સફળતાપૂર્વક ન થાય અને તેના લીધે ઉદભવતી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવું બને. આની સાથે બ્રહ્મમાંથી પસાર થતો અન્ય એક અક્ષ યોગ્ય ન હોય તો લોહી વિકારને લીધે હૃદયને તકલીફ પડે અથવાતો વેરીકોસ વેઇન પ્રકારની સમસ્યા આવી શકે.
હૃદય ભંગ થવાથી પણ હૃદયને તકલીફ તો પડે જ. અંગત વ્યક્તિનો વ્યવહાર યોગ્ય ન હોય ત્યારે દુખ થાય અને દુખની પરાકાષ્ઠા હૃદયની સમસ્યા આપે છે. ઇશાન અને અગ્નિનો દોષ નારી થકી તકલીફ આપે તો ઇશાન અને નૈરુત્યનો દોષ પરિવાર થકી. વાયવ્યનો દોષ ભળે તો પ્રિય વ્યક્તિ થકી અને પશ્ચિમનો દોષ ઉમેરાય તો વિરોધી થી. મનપર જેટલો ભાર વધારે તેટલું હૃદય પર વજન વધારે. જો લાંબુ આયુષ્ય જોઈતું હોય તો આ ભાર હળવો કરવો જરૂરી છે.