સૂર્ય અને શનિનો કેન્દ્રયોગ રાજકીય શીર્ષાસનનો યોગ?

જકાલ ગ્રહો કઈ બરાબર નથી ચાલી રહ્યાં? ચારેતરફ રોજ કોઈને કોઈ મોટી તકલીફ સાંભળ્યા કરીએ છીએ. સૂર્ય અને શનિ બે કટ્ટર શત્રુ ગ્રહો, એકબીજા સામે આવે અથવા કેન્દ્ર યોગ રચે ત્યારે એ મહત્વનો મહિનો અચૂક રીતે એ વર્ષમાં નવાજૂની કરાવે છે. સૂર્ય એ સત્તા છે અને સૂર્ય શાસકને રજૂ કરે છે. સૂર્યએ સમાજની મોટી વ્યક્તિઓને પણ રજૂ કરે છે. સૂર્ય જીવનદાયી ગ્રહ પણ ગણાય છે.

શનિ એ ધીરજનો ગ્રહ છે, શનિ મજૂરી કરીને જીવન રળતા લોકોને રજૂ કરે છે. ખેડૂતો, ખાણમાં કાર્ય કરતા લોકો અને શ્રમજીવી સમાજને શનિ રજૂ કરે છે. શનિની બાબતોમાં ખેતી, જમીન, તેલ, કોલસા વગેરે છે, શનિ દ્વારા સત્યની ખોજ, જીદ અને લોકશાહીની પણ કલ્પના થઇ છે.

સૂર્ય અને શનિનો આકાશમાં મેળાપ થાય છે ત્યારે જો કોઈ રાજકીય અને સામાજિક રીતે મહત્વનો પ્રસંગ હોય તો તેમાં અચૂક અણધાર્યો વળાંક આવે જ છે. ડિસેમ્બર સુધીમાં એટલેકે ૨૫ નવેમ્બર ૨૦૧૮ થી ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનો સમય રાજકીય બાબતોમાં અણધાર્યા વળાંક અને નવાજૂનીનો સમય બની શકે છે, તેવું મોટાભાગના જ્યોતિષ તજજ્ઞો માની રહ્યા છે. સૂર્ય, શનિ મહારાજથી દૂર જાય ત્યારે જ સત્તાને હાશ થાય છે અને સૂર્ય જયારે શનિ ભણી જઈ રહ્યો હોય ત્યારે સત્તાને આકારો સમય વીતતો હોય છે.

અત્યારે આ લખી રહ્યો છું ત્યારે મોટા ભાગના ગ્રહો અગ્નિતત્વની રાશિઓમાં ભોગ કરી રહ્યા છે. સૂર્ય, બુધ, શનિ, હર્ષલ અગ્નિતત્વમાં વિચારી રહ્યા છે. ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ની આસપાસ શનિ અને સૂર્ય એકબીજાને કાટકોણે હશે, આ ૯૦ અંશનો સંયોગ દેશ અને દુનિયામાં નવા સમાચાર આપી શકે છે. અલબત રાજકીય ક્ષેત્રે ઘણી બાબતોમાં નવીનતા આવી શકે છે. જાણકારો માની રહ્યા છે કે ૨૪ ડીસેમ્બર ૨૦૧૮ સુધીમાં કોઈ મોટી રાજકીય ઘટના ઘટી શકે છે. શનિ અગ્નિતત્વની રાશિમાં છે, સૂર્ય તેની તરફ ચાલી રહ્યો છે. સૂર્ય જેમ જેમ શનિ મહારાજની નજીક આવશે તેમ તેમ રાજકીય રંગ ઓર ઘેરો બની શકે છે. આમ પણ દેશની જન્મકુંડળી પર નજર કરીએ તો શનિ મહારાજ સ્વતંત્ર ભારતની જન્મકુંડળીમાં અષ્ટમ ભાવે ચાલી રહ્યા છે. દેશને આ સમય દરમિયાન અનેક પડકારોનો અનુભવ થઇ શકે છે. શનિ મહારાજ આઠમે રાજકીય વ્યક્તિની તબિયત કે નામાંકિત વ્યક્તિની દુનિયામાંથી વિદાયના સમાચાર પણ આપી શકે છે. આ બધું લખવાનું કારણ સૂર્ય અને શનિનું મિલન જ છે. આ વર્ષ પડકારજનક છે તે માત્ર શનિની આઠમે એટલે કે મૃત્યુભાવે ઉપસ્થિતિને લીધે વધુ સ્પષ્ટ બને છે.

વાત કરીએ મંગળની, મંગળ તેના જેવા જ એક અગ્નિમય ગ્રહને મળવા જઈ રહ્યો છે. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ મંગળ અને કેતુ મકર રાશિમાં યુતિ રચશે. દેશમાં ભૂમિ જનિત બાબતોમાં તકલીફ જોવા મળી શકે છે, જમીન માર્ગે દક્ષિણના રાજ્યોમાં સરકારે વધુ ધ્યાન રાખવું પડી શકે. નવમ ભાવ ધર્મ સાથે સંકળાયેલ છે, માટે દેશની કુંડળી અનુસાર, ધાર્મિક બાબતોમાં પણ લોકોનો ઝુકાવ વધી શકે. માત્ર આ તારીખની આસપાસના સાત દિવસમાં જ મહત્વના સમાચાર મળી પણ શકે. મંગળ કેતુનું મિલન શુભ ફળદાયી તો નથી જ.

શું બજારમાં રૂપિયાનું અવમૂલ્યન આવી શકે છે? સરકાર માટે હાલનો તબક્કો વનમાં જઈને શાંત મને કોઈ નક્કર સત્યને પ્રજામાં પ્રતિપાદિત કરવાનો હોઈ શકે. આવનારો સમય સૂર્ય અને શનિના મિલન થકી ઓર ઘેરો અને પ્રશ્નમય બની શકે છે. સત્તાના દ્વારે બેઠેલા, સર્વ સત્તાધીશને મળી શકે અને સત્તામાં બેઠેલાને પોતાના નિર્ણય માટે રાહ જોવી પડે, તેવા અનેક પ્રસંગ દેશની જનતા જોશે. આ સમય ભારતની પોતાની ઓળખ માટેની ખોજને ઓર મક્કમ કરશે, દેશમાં દેશની માટે સ્વાભિમાન અને કઈ કરવાની દરેકમાં પ્રેરણા આવશે.

અહેવાલ- નીરવ રંજન